ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેના નિર્ધારિત સમયે જ યોજાશે તેવા અણસાર છતાંય ધીમી ગતિએ જંગના પગરવ મંડાય રહ્યા છે. રાતોરાત આખુ પ્રધાનમંડળ વિખેરી નાખીને ગુજરાતમાં ભાજપ મોવડીમંડળે બદલાવને પ્રાધન્યતા આપી છે. એકી ઝાટકે અને રાતોરાત લેવાતા મહત્વના નિર્ણયોથી વર્તમાન ધારાસભ્યો પૈકી અનેકોની ઊંઘ હરામ થઇ ગઇ છે. આપણે રહીશું કે ઘર ભેગા થઈશું એની ચિંતામાંં ધારાસભ્યો, માજી મંત્રીઓ અને નેતાઓએ લોકસંપર્ક વધારી દીધો છે, જે દેખાઈ આવે છે. કેટલાક સમય પારખી ગયેલા કસાયેલા રાજકારણીઓએ વિકલ્પો શોધવાની પણ શરૂઆત કરી દીધી છે. (જોકે ભાજપ પક્ષ એ વિકલ્પ સ્વીકારે છે કે કેમ એ અલગ વાત છે).
ભૂવાએ ધુણતી વખતે નારીયલ ફેકવાનું હોય તો ઘર તરફ જ ફેંકે એવી લોકવાયકા છે. આગામી MLA તરીકે હું નહીં તો મારા ઘરમાંથી કે કુટુંબમાંથી હશે, તેવી માનસિકતા સાથે તૈયારીઓ શરૂ પણ થઈ ગઈ છે. પ્રજા તરીકે આપણે થોડું બારીકાઇથી નિરીક્ષણ કરવાની જરૂર છે. જેમ કે વાગરા વિધાનસભાની વાત કરીએ તો ધારાસભ્ય અરૂણસિંહભાઈ રણાનો પુત્ર અજયસિંહ જાહેર જીવનમાં સક્રિયતા કેળવતો જોઈ શકાય છે. હાલમાં જ અરૂણસિંહે તેને ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કમાં માત્ર ડિરેક્ટર નહીં પરંતુ સીધો મેનેજિંગ ડિરેક્ટર બનાવી દીધો. પિતા ચેરમેન અને પુત્ર એમ.ડી.!!! વારસદાર..!!! બાપુની ઉપરની લાઇન બહુ પાવરફુલ છે એવું પ્રસ્થાપિત કરવામાં અરુણસિંહ સફળ પણ રહ્યા છે તેથી સ્થાનિક સ્તરે અંદરખાને વિરોધ છતાં કોઈ બોલી શકતું નથી કે બોલવાનું ટાળે છે. આથી અરૂણસિંહ પોતાનું કદ વધારતા જાય છે.
તાજેતરમાં, દહેજની ભારત રસાયણ નામની કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ઘાયલ કંપની કામદારોની ખબર અંતર પૂછવા ધસી ગયેલા અજયસિંહે કામદારોને તમામ પ્રકારની સહાયની સાંત્વના આપી હતી. એ વખતે તેઓ MLA પુત્રની ફરજ બજાવતા હતા કે પછી ભાવિ MLA ની ભાત ઉપસાવતા હતા તે કરવું કઠિન હતું. (કદાચ, દાવેદારી માટે રજુ કરવાનો બાયોડેટા દમદાર બનાવવાની કવાયત હશે!!) કામદારોની ખબર અંતર પૂછી સાંત્વના આપવામાં કે વગ વાપરીને જરૂરીયાતમંદને મદદ કરવામાં ખોટું કાંઇ નથી. અજયસિંહની તો ખબર નથી પરંતુ અરૂણસિંહભાઈનો પહેલેથી અન્યને મદદ કરવાનો સ્વભાવ રહેલો છે. આથી જ એક સમયના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અરૂણસિંહ,સંબંધોના જોરે, ભાજપમાં જઈને વિધાનસભાની બેઠક જીતી શકે છે અને તે પણ બબ્બેવાર..!!.
પિતાની આંગળી પકડીને મેદાનમાં ઊતરી રહેલા જણાતા અજયસિંહને સ્થાનિક ભાજપના આગેવાનો સ્વીકારે છે કે કેમ એ તો સમય બતાવશે પરંતુ પુત્રને પ્રોજેક્ટ કરવામાં અરૂણસિંહ કોઈ કસર નહીં છોડે, એ સ્પષ્ટ છે. સમય વર્તે સામ-દામ-દંડ-ભેદ પૈકી કયું શસ્ત્ર વાપરવું એમાં અરૂણસિંહને ફાવટ છે. સવાલ ફક્ત યોગ્ય સમયનો છે.