ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બનતી જતી હોય તેમ લાગી રહ્યું છે, જિલ્લાના અનેક સ્થળે ઔદ્યોગિક એકમો, મકાનો અને હવે દુકાનોમાં પણ આગ લાગવાની ઘટનાઓ છેલ્લા એક માસથી સામે આવી રહી છે.
આજે સવારે ભરૂચ શહેરના લિંક રોડ વિસ્તારમાં આવેલ મનીષાનંદ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે જ આવેલ એક ઇલેક્ટ્રોનિકની બંધ દુકાનમાં અચાનક શોર્ટસર્કિટના કારણે આગ લાગતા સ્થળ ઉપર ઉપસ્થિત લોકોમાં એક સમયે નાશભાગ મચી હતી, દુકાનમાંથી મોટી માત્રામાં ધુમાડા નીકળતા સ્થાનિકોએ દુકાનના સંચાલક સહિત ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને ઘટના અંગેની જાણકારી આપી હતી.
ઘટનાની જાણકારી થતા જ સંચાલક સહિત ભરૂચ નગરપાલીકાના ફાયર લાશકરો લાયબંબા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને દુકાનમાં લાગેલ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ત્વરિત કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, ઇલેક્ટ્રોનિકની દુકાનમાં લાગેલ આગમાં દુકાનમાં રહેલા ચીજ વસ્તુઓ બળીને ખાખ થઇ જતાં દુકાનના સંચાલકને ભારે નુકશાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હારુન પટેલ : ભરુચ