ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદથી જ બુટલેગરો સહિતના ગુનેગારો સામે પોલીસ વિભાગની સતત કાર્યવાહી સામે આવી રહી છે, જિલ્લામાં અનેક સ્થળે દરોડા પાડી પોલીસે એક માસમાં કેટલાય ગુનેગારોને જેલના સળિયા ગણતા કરી નાખ્યા છે, જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો ઉપર પણ પોલીસે સતત તવાઈ બોલાવી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, તેવામાં વધુ એક બુટલેગર લાખોના મુદ્દામાલ સાથે પોલીસની પકડમાં આવી પહોંચ્યો છે.
ભરૂચ જિલ્લા પોલીસની ટિમો એસ.પી ડો લીના પાટીલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ રોડ ઉપરથી પુર ઝડપે પસાર થતા આઇસર ટેમ્પો નંબર MH 48 AG 0639 ને રોકી તેની તલાશી લેતા બંધ બોડીના ટેમ્પોમાં પાછળના ભાગે ચોરખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની બોટલોના બોક્ષ પોલીસને નજરે પડ્યા હતા.
પોલીસે આઇસર ટેમ્પોના ચાલક રાજેશકુમાર શિવા નારાયણ દિગારામ માજી રહે,બલગીર (ઓડીશા)નાઓને ભારતીય બનાવટના વિદેશ શરાબનો જથ્થો સહિત કુલ ૧૬,૧૭,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વાહનના માલિક બબલુ રવીન્દ્ર રાય રહે. પાલઘર નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ભારે ફફડાટની લાગણી છવાઈ જવા પામી હતી.
હારુન પટેલ : ભરૂચ