ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલમાં સમાવિષ્ટ સામાજિક સુરક્ષાની ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાના અવસરમાં વર્ચ્યુલી સહભાગી બનેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ૧૦૦ જેટલી ગંગા સ્વરૂપા બહેનોએ ત્રણ દિવસની મહેનત બાદ તૈયાર કરેલી વિશાળ રાખડી અર્પણ કરી હતી.
ઉત્કર્ષ પહેલમા આવરી લેવામાં આવેલી આ મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ ઘર બેઠા મળતા તેઓ ભારે અભિભૂત થઈ ગઈ હતી. ગંગા સ્વરૂપા યોજનાનો લાભ લેવા માટે ખૂટતા કાગળ પણ વહીવટી તંત્ર દ્વારા કાઢી આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની આ યોજનાના પ્રેરણાસ્ત્રોત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, એવી ખબર પડતાં આ મહિલા સંવેદશીલ બની ગઈ હતી અને મોદીને ભાતૃભાવથી રાખડી આપવાનું નક્કી કર્યું હતું. સો જેટલી મહિલાઓએ ત્રણ દિવસ મહેનત કરી વિશાળ રાખડી બનાવી હતી અને ભરૂચ ખાતે કાર્યક્રમમાં વડાપ્રધાનને અર્પણ કરી હતી. મોદીએ લાગણીસભર વાત કહી તેને સહર્ષ સ્વીકારી હતી.
વડાપ્રધાન એ જણાવ્યું કે ગંગા સ્વરૂપા મહિલાઓએ મને રાખી આપી છે. આ રાખી માત્ર દોરાનો ધાગો નથી, પણ એ મને જનકલ્યાણના કામો કરવા શક્તિ – સામર્થ્ય આપે છે. હું જે સપના લઈને ચાલી રહ્યો છું, તેને પૂરા કરવાની શક્તિ આપી છે. જેને હું અણમોલ ભેટ માનું છું. આ રાખી દેશના ગરીબોની સેવા માટે મને સતત પ્રેરણા અને સાહસ પૂરું પાડશે, તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.