ગત રવિવારે ભરૂચના ચાંચવેલ ખાતે દેશી બનાવટના તમંચા વડે હુમલો કરી ૩૦ હજાર જેટલી રકમની લૂંટને અંજામ આપી ફરાર થયેલા ઈસમોએ ભારે ચકચાર મચાવી હતી, તો સોમવારે પણ રાત્રીના સમયે ભરૂચ તાલુકાના બોરી ગામ પાસેના પેટ્રોલ પંપ પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તાલુકાના હીંગલ્લા અને નબીપુર ગામ વચ્ચે આવેલા બોરી ગામ પાસેના પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરવા આવેલ ઈસમોએ કર્મચારી ઉપર બંદૂક વડે ફાયરિંગ કરતા ભારે બુમરાણ મચી હતી, જોકે લૂંટારુઓ બુમરાણ વચ્ચે લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ત્રણ જેટલા રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થયેલા લૂંટારુઓએ પોલીસ વિભાગને દોડતું મૂક્યું હતું, ઘટના બાદ નબીપુર પોલીસે ગુનો નોંધી એસ.પી ડો.લીના પાટિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની વિવિધ ટિમો લૂંટારું ગેંગનું પગેરું શોધવામાં લાગી ગઈ હતી, પોલીસે ઠેરઠેર નાકાબંધી કરી શંકાસ્પદ ઇસમોની પૂછપરછ શરૂ કરી હતી, જે બાદ આખરે પોલીસને ઘટનાનો અંજામ આપનાર તત્વો હાથે લાગ્યા છે.
ભરૂચ નેશનલ હાઇવે ૪૮ પર નબીપુર ગુરુ દ્વારા પાસે પોલીસની પેટ્રોલિંગ દરમિયાન બે શંકાસ્પદ ઈસમો નજરે પડ્યા હતા જે બાદ પોલીસે બંનેની પૂછપરછ કરતા બંને ઈસમો ભાંગી પડ્યા હતા અને ચાંચવેલ તેમજ બોરી પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે સમગ્ર મામલે રવિન્દર સિંગ ઉર્ફે બાજવા જ્ઞાનસિંગ રહે,પુરીયાકલી ધીરોની, ગુરુદાસ પુર (પંજાબ)અને અમિત કુમાર ઉર્ફે વિકી હંસરાજ રહે,બબ્બેલાબટાલા, ગુરુદાસપુર, પંજાબ નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી એક દેશી બનાવટની પિસ્તલ જીવતા કારતુસ ૭ રોકડ રકમ સહિત કુલ ૫૦,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
હારુન પટેલ : ભરૂચ