ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે, તેવામાં વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓએ હવે ગુજરાતની મુલાકાતો વધારી છે, તેવામાં મે મહિનાના મધ્ય કે અંત સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન સભાનું પણ અયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરી ભરૂચ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે, તંત્ર દ્વારા ભરૂચના જીએનએફસી, દૂધધારા ગ્રાઉન્ડ અને કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડની મુલાકાત લીધા બાદ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર સભાનું અયોજન કરવા તરફ જઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભરૂચના કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર ભૂતકાળમાં પણ નરેન્દ્ર મોદી દ્વારા સભાઓ થઇ ચુકી છે, ત્યારે વધુ એકવાર કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર તંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવા જઇ રહ્યું છે, તેમજ પીએમઓની સૂચના મુજબ સુરક્ષા વ્યવસ્થાની આગોતરી તૈયારીઓમાં તંત્ર લાગી ગયું છે, તેવી બાબતો લોકો વચ્ચેથી સામે આવી રહી છે.
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ચાલુ વર્ષમાં યોજાવવા જઈ રહી છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સભા ચૂંટણી વર્ષમાં અતિ મહત્વની માનવામાં આવી રહી છે, કારણે ભરૂચની ધરતી પરથી દિલ્હીના મુખ્યમંત્રી એ ભાજપ ઉપર ગુજરાત સ્થાપના દિવસે જ પ્રહાર કરી મોદી સરકારને વિવિધ મુદ્દે ઘરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે ભરૂચમાં સભા કરી વિરોધીઓને જવાબ આપવાની રણનીતિ તૈયાર કરી હોય તેમ લાગી રહ્યું છે.
હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતોને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જોકે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈ તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જોકે પીએમઓના સૂચન બાદ તંત્ર તેઓના આગમનની સત્તાવાર જાહેરાત કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ