એપ્રિલ માસની છેલ્લી તારીખે એટલે કે ૩૦ મી એપ્રિલના રોજ ભરૂચ નગર સેવા સદનના સભા ખંડમાં સામાન્ય સભાનું અયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં નગરપાલિકાની વિવિધ શાખાઓને લગતા એજન્ડાઓ ઉપર ચર્ચાઓ કરી તેને મંજૂરી આપવામાં આવી હતી, તો કેટલાક એજન્ડાઓ ઉપર વિપક્ષે વાંધો ઉઠાવી એક સમયે હોબાળો પણ કર્યો હતો.
ભરૂચ નગરપાલિકા ખાતે મળેલ આજની સામાન્ય સભામાં કુલ ૨૨ જેટલા એજન્ડાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં વહીવટી શાખાના એક એકાઉન્ટ શાખાને લગતા બે મહેકમ શાખાને લગતા ચાર ફાયર એન્ડ મોટર ગેરેજને લગતા બે પ.વ.ડી શાખાને લગતા ચાર અને વોટર વર્કસ શાખાને લગતા આઠ એજન્ડા મળી કુલ ૨૨ જેટલા એજન્ડા પર આ સભામાં ચર્ચાઓ કરી તેને મંજૂરી માટે સામાન્ય સભામાં મુકવામાં આવ્યા હતા.
તમામ એજન્ડાઓમાં પાલીકામાં થયેલ ખર્ચ અને તેને લગતી બાબતો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે જ કારોબારી કમિટીએ સામાન્ય સભાને ભલામણ કરેલ વર્ષ ૨૦૨૧-૨૨ નું વાર્ષિક હિસાબ મંજૂર કરવા બાબતે તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ગાંધીનગરથી ફાળવેલ વ્યવસાય વેરા માટેની ગ્રાન્ટ રૂ ૬૭.૬૭.૦૩૨ ના કામો નક્કી કરવા બાબતે પણ સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ ચાલી હતી.
ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં મળેલ સામાન્ય સભામાં મુખ્ય અધિકારી, પાલીકા પ્રમુખ અને વિવિધ વોર્ડના ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, પાલીકાની સભાના પ્રારંભે જ થોડા મુદ્દે ચર્ચા બાદ વિપક્ષના સભ્યોએ શહેરના વિવિધ પ્રશ્નોને લઈ એક સમયે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સત્તા પક્ષ તરફથી પ્રમુખ અને પક્ષના નેતાએ વિપક્ષના આક્ષેપો ઉપર વળતો પ્રહાર કર્યો હતો.
હારુન પટેલ : ભરૂચ