હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ભરૂચ જિલ્લામાં જોવા મળી રહી છે, ગરમીનો પારો ૪૩ ડીગ્રીને પાર જતા શહેરીજનો શેકાઈ રહ્યા છે તો બીજી તરફ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે. મકાનો, વાહનો અને ઉધોગોમાં આગ લાગવાની છેલ્લા એક માસમાં અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે વધુ એક આગ લાગવાનો બનાવ ભરૂચના ને.હા ૪૮ પર નર્મદા ચોકડી પરથી સામે આવ્યો છે.
ભરૂચના ઝાડેશ્વર નજીક આવેલ નર્મદા ચોકડી વિસ્તારમાં આજે સવારે રસ્તાની બાજુમાં પાર્ક કરેલ એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જોતજોતામાં આગની જ્વાળાઓ વચ્ચે આખી કાર ભડકે બળી હતી, ઘટનાના પગલે સ્થાનિકોએ મામલાની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરતા ફાયરના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હારુન પટેલ : ભરૂચ