દેશની નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલા ભરૂચ જિલ્લાને ચૂંટણી વર્ષમાં 30 વર્ષ બાદ હવાઈ ઉડાનની સેવા મળી શકે છે. ઉડીયન મંત્રી પૂર્ણૅશ મોદીએ મે મહિનામાં અંકલેશ્વરમાં એર સ્ટ્રીપના ભૂમિપૂજનની જાહેરાત કરી છે. જે ઉધોગોને કાર્ગો સેવા પૂરી પાડવામાં કારગર નીવડી શકે છે.
અંકલેશ્વરમાં એર કનેક્ટિવિટી માટે વર્ષ 2002 માં 84 હેક્ટર જમીનની ફાળવણી થઇ હતી. જ્યાં ડિસેમ્બર 2021 માં ગાંધીનગરથી વિધાનસભા હિસાબ સમિતિ આવી પહોંચી હતી. સ્થળ પર જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજી હતી. યોજના ત્રણ દાયકાથી વધુ સમય ગાળામાં કેમ ઘોંચમાં પડી તે અંગે માહિતી મેળવી 15 દિવસમાં આ અંગે રિપોર્ટ રજૂ કરવા સૂચન કર્યું હતું.
અંકલેશ્વર તાલુકાના અમરતપુરાથી માંડવા વચ્ચે હાઈવેને અડીને આવેલ 84 હેક્ટર જમીનમાં વર્ષ 2002 માં એરસ્ટ્રીપ સેવા શરૂ કરવા ગુજરાત સરકારે જાહેરાત કરી હતી. જમીન સંપાદન થયા બાદ અનેક વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી.
જાહેર હિસાબ સમિતિની ટીમમાં ધારાસભ્ય પૂજા વંશની આગેવાની હેઠળ વિવિધ ધારાસભ્યો જોડાયા હતા. સાથે સમિતિ સભ્યો ધારાસભ્ય જીતુ સુખડિયા, આત્મારામ પરમાર, અભય જોશીયારા, ભગા બારડ, વિવેક પટેલ, બળદેવજી ઠાકોર, વિરજી ઠુમ્મર તેમજ સમિતિના સચિવ મેરામળ કંદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ અંકલેશ્વર ખાતે હવાઈપટ્ટીની તેમજ જીઆઈડીસીના હોદ્દેદારો સાથે બેઠક યોજી કાર્યરત વિવિધ ઔધોગિક એકમોની જાણકારી મેળવી હતી.
હવે ઉડીયન મંત્રી પુર્ણેશ મોદી અંકલેશ્વર ખાતે આગામી મે મહિનામાં એર સ્ટ્રીપનું ભૂમિપૂજન કરનાર છે. ત્યારે ચૂંટણી વર્ષમાં આ માત્ર ખતમુહૂર્ત પૂરતું સીમિત ન રહી વહેલી તકે એરસ્ટ્રીપ કાર્યરત થઈ કાર્ગો સેવાનો લાભ જિલ્લાના ઉધોગોને મળે તેમ તેઓ આશા રાખી રહ્યાં છે.
હારુન પટેલ : ભરૂચ