આજકાલ ભરૂચના રાજકીય વર્તુળમાં અને ખાસ કરીને સોશ્યિલ મીડિયામાં એક તસ્વીરની ખાસ્સી ચર્ચા છે. માજી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીનો હાથ પકડીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કોઈ ગુફતગુ કરી રહ્યા છે. આ તાજી તસ્વીરે ભરૂચ ભાજપમાં અનેકોને ગોટે ચઢાવ્યા છે. કેટલાકે રમેશભાઈની રી-એન્ટ્રીના વધામણાં લીધા છે તો કેટલાકે “શાંત પાણી ઊંડા” લખીને પોતાનો મત પ્રગટ કર્યો છે.
ભૂતકાળમાં આવી અનેક તસવીરો લેવાઈ છે. રમેશભાઈ માટે મોદી સાથેની તસવીરોની કોઈ નવાઈ નહીં હોય ત્યારે આ જ તસ્વીરની ચર્ચા કેમ થઈ રહી છે? આનો જવાબ કદાચ ટાઈમિંગ છે!!!.
મોદીએ એક જ ઝાટકે ગુજરાતનું આખુ પ્રધાનમંડળ બદલી નાખીને જે ઝટકો આપ્યો હતો, હવે લોકોને કદાચ વિધાનસભાની ચૂંટણી અગાઉ બીજા ઝટકાની આશા છે!!. આ ઝટકો એટલે… એકી ઝાટકે હાલના લગભગ તમામ ધારાસભ્યોની ફેરબદલી!!!. ભરૂચમાં ચર્ચા શરૂ થઈ ચુકી છે કે જો ભાજપમાં બદલાવ નક્કી જ હોય તો… હવે પછી કોણ???
આવી રાજકીય ચર્ચા, અને જો – તો ની ગપસપ વચ્ચે એકાદી તસ્વીર પણ વાતનું વતેસર કરવા પૂરતી હોય છે. ઉમેરી દઈએ, રમેશભાઈ મિસ્ત્રી નરેન્દ્રભાઈ મોદીની ગુડબુકમાં પહેલેથી છે જ અને મોદીએ ( પાર્ટી એ) ભાડભૂત પ્રોજેક્ટ સહીત બીજી પણ જવાબદારીઓ રમેશભાઈને સોંપી હશે જે મુદ્દે તેઓ વચ્ચે વાતચીત થઈ હશે. રમેશભાઈ ભાજપના સંગઠનના પાયાના કાર્યકર છે. હોદ્દો કે પદવીની અપેક્ષા વગર જવાબદારી વહન કરતા રમેશભાઈ જેવા લાખો કાર્યકરો ભાજપમાં નિરંતર કાર્યરત છે. અને તેથી જ મોદી જેવા સંગઠનના સર્વોચ્ચ હોદ્દેદારોએ પણ પાયાના કાર્યકરને જોઈને હાલચાલ પૂછવાની પરંપરા છે. બાકી, રસ્તામાં ધારાસભાની ટિકિટ વહેંચે એટલા નાદાન કોઈ રાજકારણી હોય શકે ખરા???