ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામ ખાતેના સ્થાનિકો દ્વારા આજે સવારથી જ રસ્તા વચ્ચે ધરણા પર બેસી જઈ વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવતા પોલીસ વિભાગ દોડતું થયું હતું, રસ્તા વચ્ચે પોતાને ન્યાય મળવાની આશાએ અનેક લોકો રસ્તા પર ઉતરતા એક સમયે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી.
રસ્તા વચ્ચે ધરણા પ્રદર્શન કરી રહેલ ગ્રામજનોની માંગ હતી કે સુવા ગામની ગૌચરની જમીનોનું કંપનીઓ દ્વારા કરવામાં આવેલું દબાણ દૂર કરવા માટે અને લેન્ડ લુઝરોને નોકરીઓ આપવા આવે તેવી માંગ અવારનવાર કરવા છતાં કોઈ કાર્ય કરવામાં આવતી ના હોવાથી આજે ગ્રામજનોને ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડી છે તેમ જણાવ્યું હતું.
વહેલી સવારથી સુવા ગામના માર્ગ પર ધરણા પર સ્થાનિકોના ટોળા ઉમટી પડી રસ્તા પર બેસી જતા પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને લોકોની રજૂઆત સાંભળી તેઓને રસ્તા પરથી હટવા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ ગ્રામજનોએ જ્યાં સુધી તેઓને ન્યાય નહિ મળે ત્યાં સુધી લડત આપવાનો હુંકાર કર્યો હતો.
હારુન પટેલ : ભરૂચ