ભરૂચ જિલ્લામાં નવા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદથી દારૂ,જુગાર સહિતની બે નંબરી પ્રવૃતિ ઉપર પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી છે, જિલ્લામાં વિવિધ સ્થળે પોલીસ વિભાગની સતર્કતાના કારણે દારૂ, જુગાર જેવી પ્રવૃતિઓ ઝડપાઇ રહી છે. છેલ્લા ૧૨ કલાકમાં ભરૂચ, અંકલેશ્વરમાં પોલીસે બે જેટલા જુગારધામ પર દરોડા પાડી બજારોના મુદ્દામાલ સાથે કુલ ૧૧ જેટલા જુગરીઓને જેલ ભેગા કર્યા હતા.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપ્પલ પ્લાઝા શોપિંગ સેન્ટર પાસેની આમલેટની લારીપાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા (૧)જગદીશભાઈ જગન્નાથ વાઘ (૨) સંજયભાઈ ગુલાબભાઈ પાટીલ (૩) મહેન્દ્ર ભાઈ મોહન ભાઈ પટેલ (૪) ક્રિષ્ના કુમાર આનંદ કુમાર તિવારી (૫) રાજેન્દ્ર રોહિતદાસ કોલી તેમજ (૬) ઉચ્ચપા લક્ષ્મણ ઇટેકર નાઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા હતા.
ક્રાઇમ બ્રાંચે પાડેલ દરોડામાં તમામ પાસેથી રોકડ એકમ ૧૧,૭૨૦ એક ઓટો રીક્ષા સહિત કુલ ૫૮,૭૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, તો બીજી તરફ ભરૂચ સી ડિવિઝન પોલીસે પણ જુગાર રમતા ૫ જેટલા ઇસમોની ધરપકડ કરી હતી.
ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ પુષ્પકુંજ સોસાયટી ખાતેના મકાન નંબર ૩૨ માં પતાપાના વડે હારજીતનો જુગાર રમતા (૧) મુકેશભાઈ વિહિતભાઈ પારેખ (૨) પંકજભાઈ રમણલાલ કાયસ્થ (૩) યોગેશભાઈ સુરેન્દ્ર ભાઈ મોદી (૪) રાજુભાઇ સોમાભાઈ રાણા (૫) વિજયભાઈ પુંજભાઈ પટેલ નાઓને બાતમીનાં આધારે સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી તમામ પાસેથી કુલ ૪૩,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ