ભરૂચ શહેરના સતત લોકો અને વાહનોથી ધમધમતા વિસ્તાર એવા સેવાશ્રમ રોડ ઉપરથી લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં ફોડેલ ફટાકડાના તણખાથી નૂતન સેલ્સ કોર્પોરેશનના કલરના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા સૂર્યા કોમ્પલેક્ષમાં રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની ન નોંધાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલ સુર્યા શોપિંગ સેન્ટર પાસેથી એક લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો. દરમિયાન લગ્નના વરઘોડામાં આતશબાજી અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા જેમાં ફટાકડાનો એક તણખો કોમ્પ્લેક્ષના ત્રીજા માળે નૂતન સેલ્સના કલરના ગોડાઉનમાં પડતાં આગ લાગી હતી.
જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કોમ્પ્લેક્ષમાં રહેલા લોકોએ કલરના ગોડાઉનમાં નીકળતા ધુમાડા જોઈ સાવચેતીના ભાગરૂપે શોપિંગની બહાર નીકળી ગયા હતા અને તાબડતોબ ભરૂચ નગરપાલિકાના ફાયરને આગની જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર પણ દોડી આવ્યું હતું.
પરંતુ જે માળ ઉપર આગ લાગી હતી તેમાં જવાનો કોઈ રસ્તો ન હોવાના કારણે જીવના જોખમે પણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરો જયાં આગ લાગી હતી ત્યાં પ્રવેશવાનો દરવાજા તોડવાની પણ ફરજ પડી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનની બારીના કાચ પણ તોડવા પડયા હતા.
આ કલરના ગોડાઉનમાં જ્વલનશીલ પદાર્થ થીનર (ટર્પેન્ટાઈન) અને એશિયન પેન્ટ કલર જેવા જ્વલનશીલ પદાર્થ હોવા છતાં અને નગરપાલિકાના ફાયર ફાયટરો પાસે પૂરતા પ્રમાણમાં ફાયરનાં સાધનો ન હોવા છતાં પણ પોતાના જીવના જોખમે આગ લાગેલા માળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરી આગ ઓલવતા સૌને હાશકારો થયો હતો.
હારુન પટેલ : ભરૂચ