આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ જિલ્લાઓના વાતાવરણમાં પલ્ટો આવ્યો હોય તેમ જોવા મળ્યું હતું, દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, સુરત ગ્રામ્ય, નવસારી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, તેમજ વહેલી સવારે ભરૂચ શહેરમાં વાદળોની ગર્જના સાથે થયેલા વીજળીના ચમકારાએ શહેર વાસીઓને ચોમાસાના દર્શન કરાવ્યા હતા.
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોની ફોઝ વચ્ચે એક સમયે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં કેરી, લીંબુ, જીરું સહિતના પાકને નુક્શાનીની ભીંતી ખેડૂતોને સતાવવા લાગી હતી.
ભરૂચ જિલ્લાનો અંતરિયાળ એવો નેત્રંગ તાલુકામાં મોટાભાગે લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવામાં આજે અચાનક વરસેલા માવઠાથી તેઓના પાકને નુકશાની થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે વધુ સમય સુધી માવઠું ન રહેતા ખેડૂતોએ રાહત પણ અનુભવી હતી..!
હારુન પટેલ : ભરુચ