ભરૂચના જંબુસર ખાતે એપીએમસી ના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ વરદ હસ્તે કરવામાં આવ્યું. જંબુસર એપીએમસીમાં આ સાથે રેસ્ટ હાઉસ અને કેન્ટિનનું પણ લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદક બહેનો મંડળીમાં દૂધ ભરે અને સમયસર ખાતાના રૂપિયા આવી જાય એ ફક્ત ભાજપાની સરકાર દ્વારા ગુજરાતમાં શક્ય બન્યું છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સહકાર ક્ષેત્રને મજબૂત કરવાનો નિર્ધાર કર્યો છે. વધુમાં પાટીલે જણાવ્યું હતું કે કહેવાતા ચમરબંધી ઓને ધૂળ ચાટતા ભાજપાએ કર્યા છે. ખેડૂતોને તેમજ સામાન્ય નાગરિકોને સરકારી તમામ સુવિધા મળે તે માટે ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા જે પ્રયાસો કરાયા છે, તે માટે ભરૂચની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. લોકોની અપેક્ષાઓ મુજબ જે પ્રમાણે ગુજરાતમાં સરકાર અને સહકારી ક્ષેત્રમાં જે કામ થાય છે તે પ્રમાણે દેશમાં પણ કાર્ય થશે. આવનાર દિવસોમાં ડિસેમ્બરમાં ચુંટણીઓ આવી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી દ્વારા જે પ્રમાણે આયોજનો કરાયા તે સરાહનીય છે. આપણી સંસ્કૃતીને જે તોડવાનો જે પ્રયાસ કરે તેને પાઠ ભણાવી દેવો જોઈએ, ત્યારે કેટલાક લોકો મફતની વાત કરીને સંસ્કૃતિની ઉપેક્ષા કરે છે. તેમને આવનાર સમયમાં જડબાતોડ જવાબ આપવાની જરૂર છે. કેટલાંક લોકો દ્વારા મફત આપવાના વચનો આપવામાં છે પણ આ દેશનો કોઈ વ્યક્તિ તનતોડ મહેનત વગર મફતનું ક્યારેય ખાતો નથી.
આ પ્રસંગે વિ.સ.ના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ, જંબુસરના ધારાસભ્યો સંજયભાઈ સોલંકી, પૂર્વમંત્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, અલ્પાબેન પટેલ, ભાજપા જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, મંત્રી નિશાંત મોદી, નાહિયેર ગુરુકુળ ના ડી.કે.સ્વામી, કૃપાબેન પટેલ, સહિત મોટી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી હતી.