ભરૂચમાં નીલકંઠ ઝુપડપટ્ટી પાસેની ખુલ્લી જગ્યામાં મોબાઇલમાં આંક ફરકના આંકડાનો જુગાર રમતા ઈસમને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડયો છે.
ભરૂચમાં વધતી જતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની સૂચના અનુસાર જુગારની પ્રવૃત્તિ પર વોચ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચનો આપેલ, ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળેલ કે નીલકંઠ ઝુપડપટ્ટી પાસે ખુલ્લી જગ્યામાં એક શખ્સ મોબાઈલ દ્વારા આંક ફરકના આંકડાનો જુગાર રમાડે છે જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા રમેશ ભાઇલાલ રાઠોડ રહેવાસી મયુરપાર્ક સોસાયટી નંદેલાવ ભરૂચને પોલીસે રોકડ રકમ રૂપિયા 30,440, મોબાઈલ ફોન 1 કિંમત રૂપિયા 3000, મોટરસાયકલ કિં.રૂ.20,000 તથા જુગાર રમવાના સાધનો સહિત કુલ રૂ.53,440 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અન્ય એક આરોપી પોલીસ દરોડા દરમિયાન અશોક રતિલાલ વસાવા હાજર ન હોય તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.