ભરૂચ જિલ્લાને નવા પોલીસ વડા તરીકે ડો. લીના પાટીલના રૂપમાં ફરી એકવાર એક કડક મહિલા અધિકારી મળ્યા છે. ડો. લીના પાટીલની કડક અધિકારીની છાપ જોતા ભરૂચની ટર્મમાં તેઓની સફળતા અંગે કોઈ બેમત નથી. પરંતુ અહીંના સ્થાનિક પ્રશ્નો, સમસ્યાઓ, ગુનાઓ, ગુનેગારો અને વ્હાઇટ કોલર માફિયાઓની મોડસ ઓપરેન્ડી અન્ય જગ્યાઓ કરતા થોડી અલગ છે, જે નોંધવું ઘટે.
આ એક મલ્ટીપલ ઉદ્યોગો ધરાવતો ઔદ્યોગિક વિસ્તાર છે જ્યાં ચારેતરફ ઉદ્યોગો ધમધમે છે. જંબુસર, વાગરા, દહેજ, ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા જેવા તાલુકાઓ અને તેમાં વસતા સ્થાનિક તેમજ પરપ્રાંતિય નાગરિકોની પોલીસ અને પ્રસાશન પ્રત્યેની અપેક્ષાઓ અલગ છે. શાંતિ, ભાઈચારો અને કોમી સૌહાર્દ જાળવીને કાયદાનું કડક પાલન કરાવવું એ અન્ય જિલ્લા કરતા થોડું કઠિન અને જટિલ હોય શકે છે. ગુનાઓ અને ગુનેગારોનો પ્રકાર પણ જટિલ હોય, તેનો ઉકેલ થોડી વધુ મહેનત અને વિશેષ કુનેહ માંગી લેશે. અહીં છેતરપિંડીવાળાને કાવત્રાવાળા છે તો ભૂ-માફિયાને કેમિકલ માફિયા છે, દારૂના ને જુગારના બુટલેગરો છે તો સાઇબર ક્રાઇમના અઠંગો પણ વ્યાપેલા છે. બે કોમ વચ્ચે ભાઈચારો છે પણ ચિનગારીને આગમાં પરિવર્તિત થતા સમય લાગતો નથી. ડ્રગ્સ અને હથિયારોના સપ્લાયરોનું પણ અહીં વર્ચસ્વ વર્તાય છે તો હાઇવેને કારણે ગેરકાયદેસર હેરાફેરી, તસ્કરીની પણ જાળ ફેલાયેલી છે. ક્યારેક કામદારોના અલગ પ્રશ્નો સામે આવતા હોય છે તો અનેકવાર ઉદ્યોગો સામે કામદારોની ઉગ્રતાને પણ પોલીસે જ ઠારવવી પડતી હોય છે. રાજકીય આંદોલનો, તહેવારો, રેલીઓ, જુલુસો, સરઘસો જેવા જમાવડા પણ પોલીસ માટે તો જટિલતાભર્યા જ મનાય! રાજકીય નેતાઓ, મંત્રીઓના કાર્યક્રમો, બંદોબસ્ત અને સભાઓની સુચારુ વ્યવસ્થા પણ પોલીસ માટે ગુના ઉકેલવાનો સમય ખાય જતી સમસ્યા જ છે. આ બધા વચ્ચે શાંત ચિતે નિર્ણયો લઈ કાયદો ને વ્યવસ્થા જાળવવી એ…. જાદુના ખેલ તો નથી જ!!..
ટૂંકમાં, ભરૂચ જિલ્લા પોલીસ વડાનો તાજ આમ તો કાંટાળો જ છે પરંતુ અનુભવ, નિષ્ઠા, કુનેહ અને કાયદાને વળગી રહેવાની ઉત્તમ નીતિ કોઈ પણ અધિકારી માટે અનિવાર્ય ગણાય તેમ ડો. લીના પાટીલ મેડમ પાસે પણ તેની પ્રજાને અપેક્ષા જ નહીં વિશ્વાસ છે. છુટા ફરતા બુટલેગરોને કે રીઢા ગુનેગારોને વોન્ટેડ બતાવ્યા કરવા કરતા તેમને અધિકારી બદલાયા હોવાની ફેં ફાટે એવા કડક વલણની શરૂઆતી જ બેટિંગ આવશ્યક લેખાશે. હપ્તાબાજીનો થોડો સડો જણાય ત્યાં નસ્તર મૂકીને પણ પ્રજાને ન્યાય કરશો એવી અપેક્ષા છે.
ગરીબ બિચારા પર લાઠી ચલાવવાને બદલે તેના માથે હાથ ફેરવી વ્યવહારુ ઉકેલ લાવશો તો પ્રજાને પણ પોલીસને સાથ આપવાનું ગમશે. બહેન દીકરીઓની સુરક્ષાની ખાત્રી આપ મેડમના નામ માત્રથી મળી રહે છે. સાથે જ ગુનેગાર વર્ગમાં પણ આપનો ફફડાટ વર્તાય, તેવી પ્રશંસનીય કામગીરી અંગે આપશ્રીને એડવાન્સમાં શુભેચ્છા.
ચૈત્ર નવરાત્રીના સમયમાં આપે જિલ્લાની ધરા સંભાળી છે ત્યારે ગુનેગારોને આપનું દુર્ગા સ્વરૂપ અને સામાન્ય જનતાને પ્રેમાળ માતા સ્વરૂપ જોવા મળશે, તેમાં કોઈ અપવાદ નથી.