ચેટીચાંદ નિમીત્તે ભરૂચના સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભરૂચમાં નવચોકી ખાતે આવેલ ઝુલેલાલ મંદિરમાં તમામ સિંધી ભાઈઓએ ઉપસ્થિત રહી ઝૂલેલાલ ભગવાનની પ્રભાત ફેરી તેમજ વિધિ-વિધાન પૂર્વક પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો.
આ મંદિરના ઈતિહાસ વિશે સિંધી સમાજના અગ્રણીઓ જણાવે છે કે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે મોટા પ્રમાણમાં સિંધ પ્રદેશમાં વસતા સિંધી લોકો ભારત આવીને વસ્યા હતા તે સમયે 1947 ની સાલમાં દરિયાપારથી અહીં અખંડ દીવો લઈને આવ્યા હતા. ઝૂલેલાલ ભગવાન એટલે વરુણદેવના અવતાર માનવામાં આવે છે, અહીં જલ અને જ્યોતની સ્થાપના કરેલ છે.
દરિયાપારથી લઈને આવેલી જ્યોત ભરૂચમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ હોય આજે ચેટીચાંદ નિમીત્તે સાંજે મંદિરેથી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નિકળશે અને રાત્રે નર્મદા નદી એ પહોંચી તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. કોરોનાની મહામારી બાદ છેલ્લા બે વર્ષથી ચેટીચાંદ ઉત્સવની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવેલ ના હોય આ વર્ષે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા હર્ષ ઉલ્લાસ સાથે સમગ્ર સિંધી સમાજે ચેટીચાંદની ઉજવણી કરેલ છે. સિંધી સમાજ કોરોનાની પરિસ્થિતિ દેશમાં ક્યારેય ના આવે અને હાલના સંજોગોમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તે પણ પૂર્ણ થઈ જાય તેવી આજના દિવસે ભગવાન ઝૂલેલાલના ચરણોમાં પ્રાર્થના કરેલ છે.
ભરૂચના અતિપ્રાચીન ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી.
Advertisement