નેત્રંગ પંથકમાં આવેલ જવાહર બજાર,ગાંધી બહાર સહિતના વિસ્તારોમાં રેલવેની હદમાં ગેરકાયદેસર રીતે દુકાનો અને મકાનો બાંધી વર્ષોથી દબાણ કરી વસતા દબાણ કર્તાઓ સામે તંત્રએ લાલઆંખ કરી તમામ દબાણો દૂર કરવાની કામગીરી આજ સવારથી શરૂ કરતાં લોકોમાં ફફડાટનો માહોલ છવાયો હતો.
રેલવે વિભાગના અધિકારીઓએ રેલવે આર.પી.એફ.તેમજ સ્થાનિક પોલીસના કાફલાને સાથે રાખી રેલવેની હદમાં આવતા તમામ દબાણોને જે.સી.બી વડે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ સ્થાનિકોના ટોળા સ્થળ ઉપર જામ્યા હતાં, તંત્રએ અનેકવાર નોટીસો પાઠવી છતાં દબાણો દૂર ન કરતા આખરે તંત્રએ તમામ દબાણો દૂર કરવાની પક્રિયા શરૂ કરી છે.
રેલવે વિભાગના તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ નેત્રંગ ગ્રામ પંચાયત બહાર ભેગા થઇ તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો, પંચાયત બહાર હોબાળો થતા પોલીસની સમજાવટ બાદ સ્થિતી નિયંત્રણમાં આવી હતી, ૩૫૦ થી વધુ દુકાનો અને મકાનોના દબાણોને તંત્ર એ દૂર કરવાની કામગીરી શરૂ કરતા જ વર્ષોથી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરિવારને પોતાનો આશિયાનો છોડવાનો વારો આવ્યો છે.
હારુન પટેલ : ભરૂચ