ભરૂચ તાલુકાના અગ્રણી વેપારી મથક પાલેજ તેમજ ટંકારીયા ખાતે ફાયર સ્ટેશન સુવિધા આપવા પ્રબળ માંગ ઉઠવા પામી છે. જે સંદર્ભે ટંકારીયા ગામ સહિત આસપાસના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાલેજ ખાતે જીઆઈડીસી આવેલી છે. જેમાં ઘણા યુનિટો કાર્યરત છે અને પાલેજ ખાતે સાતથી આઠ કપાસની જીનો પણ આવેલી હોય આકસ્મિક આગની ઘટનાઓમાં લાખો રૂપિયાનું નુકસાન થતું હોય છે.
ફાયર સ્ટેશન ભરૂચ ખાતે આવેલું હોય ફાયર બ્રિગેડને પહોંચવામાં વિલંબ થતો હોય આગની ઘટનાઓમાં નુકસાન થાય છે. ત્યારે જો પાલેજ અથવા ટંકારીયા ખાતે ફાયર સ્ટેશન સુવિધા ઉભી કરવામાં આવે તો આકસ્મિક ઘટનાઓમાં ઝડપથી ફાયર બ્રિગેડ પહોંચી શકે તો પાલેજ, ટંકારીયા અથવા હિંગલ્લા ચોકડી વિસ્તારમાં ફાયર સ્ટેશન સુવિધા આપવામાં આવે એવી માગ ઉઠવા પામી છે. આવેદનપત્ર પાઠવવાના કાર્યકમમાં સામજિક કાર્યકર અબ્દુલ કામથી સહિત ટંકારીયા, હિંગલ્લા તેમજ આસપાસના ગામોના સરપંચો સહિત જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ