ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધી નગર દ્વારા લેવાનારી બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, જેમાં ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૦ માં કુલ ૨૩૯૬૨ વિદ્યાર્થીઓ, ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૧૪૫ તેમજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૭૫૯૩ પરિક્ષાર્થીઓ નોંધાયા છે. ધોરણ-૧૦ નાં ૩૨ અને ધોરણ-૧૨ ના ૧૬ કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઇ રહી છે, તેમજ જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો CCTV થી સજ્જ કરી દેવાયા છે, સાથે જ પરીક્ષા કેન્દ્રની આજુબાજુ પ્રતિબંધાત્મક કલમ ૧૪૪ મુજબ જાહેરનામું કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના અનુસાર અમલ કરવામાં આવ્યો છે, વધુમાં પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા છે, તો વહેલી સવારથી તંત્ર દ્વારા સિલ બંધ રીતે પ્રશ્નોપત્ર સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને પરીક્ષાના પ્રારંભ સાથે પ્રશ્નોપત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા.
ભરૂચમાં વહેલી સવારથી આજે પરીક્ષા કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓના ટોળા નજરે પડ્યા હતા, તો કેન્દ્ર બહાર પરીક્ષા આપવા જઈ રહેલા બાળકોના પરીવારજનોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
હારુન પટેલ : ભરૂચ