ગત તારીખ 24 ના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે બજેટલક્ષી સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં એજેન્ડામાં આવેલ ઠરાવ મુજબ બજેટ રજૂ કરવાનું હતું પરંતુ સત્તાધારી પક્ષ દ્વારા બજેટ અંગેની પ્રસ્તાવના કર્યા બાદ વિપક્ષને બજેટ અંગે ચર્ચા કરવા માટે કોઈ તક આપવામાં આવી ન હોવાનું જણાવી વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ સહિતનાએ આ બજેટ અંગેની સામાન્ય સભા રદ્દ કરી ફરીવાર બજેટની સામાન્ય સભા બોલાવવામાં આવે એવી માંગ પણ કરી હતી.
ભરૂચ નગરપાલિકા ખાતે ભાજપની બહુમતી હોવાથી તેઓ સત્તા ભોગવી રહ્યા છે ત્યારે નગરપાલિકાની કાયદાની રૂએ વિપક્ષને પણ જનહિત માટે પોતાના મંતવ્યો રજુ કરવાના હક છે એ લોકશાહીની મહત્વ બાબત છે. પરંતુ શાસક પક્ષે પોતાની બહુમતીના જોરે બજેટ પર ચર્ચા કર્યા વિના અને એજેન્ડામાં આવેલ મુદ્દા નં 2 ના બજેટ અંગેના ઠરાવ પર મતદાન કર્યા વિના શાસક પક્ષના સભ્યો એ બજેટ રજુ કરી મંજુર કરી વિપક્ષને બોલવાની કે પોતાના વિચાર રજુ કરવાની તક આપી ન હતી. આ બજેટ ભરૂચ નગરજનોના હિત અર્થે રજુ કરવાનું હોય વિપક્ષના સભ્યોની પણ લોક પ્રતિનિધિ તરીકે સત્તાધારી પક્ષે સાંભળવો જોઈએ. પરંતુ તેમ ન કરતા સામાન્ય સભા પૂર્ણ થયા હોવાની જાહેરાત કરી દીધી હતી. અને ત્યારબાદ પ્રમુખે જણાવ્યું હતું કે બજેટ સર્વાનુમત્તે પસાર થયું છે.
જાણકારી મુજબ બજેટ પસાર થવાનો અર્થ નગરપાલિકામાં ચૂંટાયેલા દરેક સભ્યોના મતે પસાર થયું હોય તેવું બજેટ હોવું જોઈએ. પરંતુ શાસક પક્ષે બહુમતીના જોરે મતદાન કર્યા વિના સર્વાનુમતે બજેટ પસાર થયું હોવાની વાતો જણાવી. ભરૂચની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે. જેને અમે સખત શબ્દોમાં વખોડી નાંખીને આ સામાન્ય સભામાં બજેટ અંગે થયેલી કાર્યવાહી રદ્દ કરી હુકમ કરવા વિનંતી કરી હતી. વળી આ બજેટ અંગેની સામાન્ય સભા રદ્દ કરી ફરીવાર બજેટની સામાન્ય સભા બોલાવવામાં આવે એવી માંગ પણ કરી હતી.