આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શ્રી ગણેશ સુગર વટારિયાના સભાસદો અને જિલ્લાના અલગ અલગ વિસ્તારના ખેડૂતો એ મહામહીમ રાજ્યપાલને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. ૧૮ હજાર સભાસદો ધરાવતી ગણેશ સુગર ફેકટરીમાં ભરૂચ અને સુરત જિલ્લાના ૯ તાલુકાના ગામોના ખેડૂતો સહિત અનેક ખેડૂતો પોતાની ખેતી કરી આર્થિક રીતે ઉપાર્જન કરે છે, તેવામાં ગણેશ સુગર પર થતી વિપરિત અસરોથી કર્મચારીઓ અને ખેડૂતોના જીવન પ્રભાવિત કરી રહ્યા છે.
રાજયપાલને સંબોધિને આપવામાં આવેલ આવેદનપત્રમાં સભાસદો દ્વારા વિવિધ ૪ જેટલા મુદ્દે રજુઆત કરવામાં આવી હતી જેમાં સંસ્થામાં કસ્ટોડિયનની નિમણુંક કરવામાં આવી છે તેને રદ કરવાની બાબત અને સંસ્થાના ચાલુ વ્યવસ્થા બોર્ડને પુન: કાર્યરત કરવા સાથે સંસ્થાના વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી યોજવા રજૂ થયેલ દરખાસ્ત અંગે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરી સત્વરે ચૂંટણી યોજવાની માંગ કરી છે, વધુમાં સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ ન કરવામાં આવે એવી પણ ખેડૂતોની લાગણી હોવાનું આવેદનપત્રના માધ્યમથી રાજ્યપાલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
હારુન પટેલ : ભરૂચ