ભરૂચની પ્રાર્થના વિદ્યાલયના આચાર્ય અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલના નામે 180 છાત્રોને ગેરકાયદે પ્રવેશ આપી ફી ઉધરાણું કરાયું હોવાનો મેનેજીંગ ટ્રસ્ટી જીગ્નેશ પટેલે સનસીખેજ આક્ષેપ કર્યો છે.
ભોલાવમાં આવેલી આંનદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્ટી જીગ્નેશ પટેલે કરેલા ઘટસ્ફોટથી શિક્ષણ ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે.
પ્રાર્થના વિદ્યાલયમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલનું કોઈ અભ્યાસ કેન્દ્ર ચાલતું નથી. તેમ છતાં આચાર્ય રમેશભાઈ પરમાર અને અન્ય ટ્રસ્ટીઓએ એકબીજાના મેળાપીપણામાં NIOS માં પ્રવેશની ગેરકાયદે જાહેરાતો આપી 180 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.
મેનેજીંગ ટ્રસ્ટીએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, શાળાએ આવું કોઈ કેન્દ્ર શરૂ કર્યું નથી કે તે દ્વારા વસુલાયેલી ફી શાળાના એકાઉન્ટમાં જમા કરાવાઇ નથી. જેમાં પ્રાર્થના વિદ્યાલયના લેબલ ઉપર વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી લાખો રૂપિયાની ઉચાપત કરી છાત્રોના ભાવિ સાથે ખીલવાડ કરાયોનો આક્ષેપ કરાયો છે જેની તપાસ કરવા માંગણી કરાઈ છે.
બીજી તરફ આચાર્ય રમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ટ્રસ્ટીઓની બેઠકમાં જ ઠરાવ કરાયો હતો. જેને પ્રાર્થના વિદ્યાલય સાથે કોઈ લેવા દેવા નથી. માત્ર વિદ્યાર્થીઓને પરીક્ષા માટે જ શાળાનો સેન્ટર તરીકે ઉપયોગ થવાનો હતો. જે સેન્ટર પણ મળ્યું નથી. હવે બીજા સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાશે. જે વિદ્યાર્થીને પરીક્ષા આપવી નહિ હોય તેની ફી પરત કરાશે. મેનેજીંગ ટ્રસ્ટી ખોટો વિવાદ ઉભો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.