ભરૂચ નગર પાલિકાના સભાખંડ ખાતે આજે સવારે નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ પ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં નગરપાલિકાની કામગીરીને લગતા વિવિધ ૧૦ જેટલા એજન્ડાને મંજુર કરવામાં આવ્યા હતા, જેમાં કર્મચારીઓના પગાર વધારો સહિત પાલિકાની કામગીરીને લગતા ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2022-23 નું અંદાજપત્ર રજૂ કરી શહેરમાં થનાર વિવિધ વિકાસના કાર્યો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જોકે વિપક્ષના સભ્યોએ આ અંદાજપત્ર નહીં પરંતુ શહેરની જનતા માટે અંધારપત્ર હોવાનું જણાવી બજેટનો સભાગૃહમાં વિરોધ નોંધાવી અંદાજપત્રની કોપી ફાડી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
નગરપાલિકમાં સામાન્ય સભા દરમિયાન એક સમયે સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો પાલિકાના દેવા મુદ્દે ચકમક પર ઉતર્યા હતા, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ એ પાલિકા ચાલીસ કરોડના દેવામાં ચાલતી હોવાના આક્ષેપો સભામાં કરતા સત્તા પક્ષ તરફથી પ્રમુખ અમિત ચાવડા અને પક્ષના નેતાએ આક્ષેપો સામે વળતા જવાબો આપ્યા હતા.
ભરૂચ નગરપાલિકા ખાતે ગુરુવારે સવારે ૧૧.૩૦ કલાકે મળેલ સભામાં સત્તા પક્ષ અને વિપક્ષના મોટા ભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેરના વિવિધ વોર્ડની સમસ્યાઓ અને વિકાસના કામો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.
હારુન પટેલ : ભરૂચ