ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ સંપ્રદાય દ્વારા પવિત્ર પર્વ શબેબરાતની મુસ્લિમ સમાજના લોકો દ્વારા શાનદાર ઉજવણી કરાઇ હતી. શબેબરાત પ્રસંગે પાલેજ નગરની મક્કા મસ્જિદ સહિત વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદો તથા દરગાહોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી. દરેક મસ્જિદોમાં મગરીબની નમાઝ બાદ વિશેષ નવાફિલ નમાઝ અદા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામા મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ઈશાની નમાઝ બાદ પણ નગરની વિવિધ મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા અને મોડી રાત્રી સુધી મસ્જિદોમાં રોકાઈને ઇબાદત કરી હતી.
શબેબરાત પર્વ મુખ્યત્વે આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહેલા મર્હુમો માટે વિશેષ મહત્વ ધરાવતું પર્વ હોય મુસ્લિમ બિરાદરો દ્વારા આ ફાની દુનિયાને અલવિદા કરી જતા રહેલા પોતાના સ્વજનોની કબરોની જિયારત કરી ફૂલ અર્પણ કરી ખીરાજેઅકીદત પેશ કરી ખાસ યાદ કરવામાં આવ્યા હતા. પાલેજ નગરની મક્કા મસ્જિદમાં જિક્ર શરીફનો વિશેષ કાર્યક્રમ કમિટી દ્વારા આયોજિત કરાયો હતો. મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબ દ્વારા વિશ્વમાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી. પાલેજ પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા, સેગવા, માંચ, ઝંગાર, વલણ, માંકણ, મેસરાડ, કંબોલી તેમજ ટંકારીયા વગેરે ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા શબેબરાત પર્વની શાનદાર ઉજવણી કરાઇ હતી.
યાકુબ પટેલ, પાલેજ
પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શબેબરાત પર્વની કરાઇ ઉજવણી.
Advertisement