ભરૂચ તાલુકાના ટંકારીયા ગામની સીમમાં આવેલા એક બકરા ફાર્મમાંથી ૧૫ બકરા કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી પલાયન થઇ જતા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીયા ગામના રહીશ પરવેઝ ફિરોઝ ભાઇ ભૂતા કે જેઓ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરવેઝ ભાઇ ટંકારીયા ગામની સીમમાં બકરા ફાર્મ અને પોલ્ટ્રી ફાર્મ ધરાવે છે. તેઓના ફાર્મ પર મજૂરી કામ કરતા શ્રમિકો હોળી પર્વ નિમિત્તે તેઓના વતન મધ્યપ્રદેશ જવા ગત તારીખ ૧૨ મી માર્ચના રોજ રવાના થયા હતા અને પરવેઝભાઇ તેઓના પોલ્ટ્રી ફાર્મ પર અવારનવાર ચેક કરવા જતા આવતા હતા. પરવેઝભાઇ ગત તારીખ ૧૩ મી માર્ચના રોજ રાત્રીના દોઢ કલાકે પોલ્ટ્રી ફાર્મ પર ગયા હતા ત્યારે ૧૫ બકરા સહી સલામત નજરે પડયા હતા. જ્યારે તેઓ ૧૩ મી માર્ચના રોજ સવારે ૬.૪૫ કલાકે તેઓના પોલ્ટ્રી ફાર્મ પર જઈ તપાસ કરતા ૧૫ બકરા નજરે ન પડતા પરવેઝભાઈના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. પરવેઝભાઈને પોતાના બકરા ચોરી થઈ હોવાની શંકા જતા તેઓએ પાલેજ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવા અરજ કરી છે.
યાકુબ પટેલ, પાલેજ