ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદાના જળ રાજ્યના અનેક શહેરો સુધી આજે પહોંચ્યા છે, નર્મદા નદીમાં બારે માસ ખરખર વહેતુ જળ જ્યાં કેટલાય પરિવારોની તરસ છીપાવે છે તો કેટલાય પરિવારો માટે રોજીરોટી માટે પણ મદદ રૂપ થાય છે, પરંતુ ઉનાળાની શરૂઆત સાથે જ નદીમાં જળની માત્રા ઘટવા લાગવાની ઘટનાઓ દર વર્ષે સામે આવતી હોય છે.
ખાસ કરી નર્મદા જિલ્લાથી લઈ ભરૂચ જિલ્લા વચ્ચે વહેતી નર્મદા નદીમાં ઉનાળાની શરૂઆત બાદ અનેક સ્થળે નદીમાં જળ ઓછાં થયા હોવાનું બુમો ઉઠવા પામી છે, ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે પણ બંને કાંઠે વહેતી નર્મદા નદી હવે ધીમેધીમે તેના કાંઠા છોડતી નજરે પડી રહી છે, નદીમાં જળની માત્રા ઘટવાના કારણે તેના બંને તરફના કાંઠા સુકાવવા લાગ્યા છે અને કીચડ જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, એટલું જ નહીં નદીના વચ્ચેના ભાગમાં પણ રહેલા પથ્થર જળ ઓછા થવાના કારણે હવે દેખાવા લાગ્યા છે.
ભરૂચના ગોલ્ડન બ્રિજ પરથી ઉભા રહીને વર્તમાન સમયમાં નર્મદા નદીને જોઈએ તો જે નદી સિલ્વર બ્રિજના પાંચમાં ગાળા સુધી વહેતી હતી તે નદી આજે માંડ ત્રણ ગાળામાં વહેતી હોય તેમ લાગી રહ્યું છે, નદીમાં ઉનાળાની શરૂઆત વચ્ચે જળ ઓછું થવાની વાત સ્થાનિકો માટે ચિંતા ઉપજાવે તેમ છે, ખાસ કરી નદીમાં માછીમારી કરતા નાવડા અને બોટ ચલાવતા માછી મારો પણ હવે નર્મદા નદીમાં પૂરતા જળવાળા વિસ્તાર શોધી એટલા જ ભાગમાં ફરવા મજબૂર થયા છે.
ભરૂચ નજીક વહેતી નર્મદા નદી કે જેના નીર છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યા છે તે હવે ભરૂચ નજીક કાંઠા છોડતી નજરે ચઢી રહી છે, ભૂતકાળમાં પણ અનેકવાર નર્મદા નદીના જળ સુકાયાની ઘટના સર્જાઈ ચુકી છે જેમાં ભરૂચના પૂર્વપટ્ટીના વિસ્તારોમાં તો નદી પાર કરવા વાહનો પણ ફરતા થયા હતા, જોકે આ વર્ષે નર્મદાની સ્થિતી સારી છે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવે ધીમેધીમે નદી તેના કાંઠા છોડતી નજરે પડતા સ્થાનિકોમાં તેની ચિંતા સતાવી રહી છે.
હારુન પટેલ : ભરૂચ