ઉનાળાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમોમાં અકસ્માતે આગ લાગવા અથવા ગેસ લીકેજ જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે વધુ એક બનાવ દહેજ જીઆઇડીસી વિસ્તારની એક ખાનગી કંપનીમાંથી સામે આવ્યો છે.
દહેજ પંથકમાં આવેલ ભારત રસાયણ કંપનીના પ્લાન્ટમાં ગત રાત્રીના સમયે અચાનક ગેસ લીકેજ થયા બાદ આગ લાગવાની ઘટના સામે આવતા એક સમયે ઉપસ્થિત કર્મોચારીઓમાં નાસભાગ મચી હતી, કંપનીમાં ઉત્પાદન પક્રિયા સમયે સર્જાયેલ ઘટનાના પગલે સ્થળ પર ઉપસ્થિત એક પ્લાન્ટ ઓપરેટરને ગેસની અસર થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે, જેને પ્રથમ દહેજ અને બાદમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
અચાનક ભારત રસાયણમાં ઝેરી ગેસ લીકેજની ઘટનાના પગલે ફાયર વિભાગ અને દહેજ પોલીસ દોડતી થઈ હતી અને સ્થળ પર જઇ તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડી ગેસ લીકેજની ઘટના ઉપર ગણતરીના સમયમાં કાબુ મેળવવામાં આવતા ઉપસ્થિત કર્મોચારીઓમાં સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.