ભરૂચ શહેરનાં માર્ગો પર દર વર્ષે વધતા જતા વાહનો સામે હવે માર્ગો સાંકડા થઈ રહ્યા છે, વર્ષોથી રસ્તા પહોળા ન થતા હવે ટ્રાફિકની વિકટ પરિસ્થિતિ તરફ ભરૂચ શહેર જઈ રહ્યું છે, તે વચ્ચે ઠેરઠેર પાર્કિંગનો અભાવ પણ હવે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે.
ભરૂચ શહેરના માર્ગો પર જો કોઈ વાહન જેમ તેમ પાર્ક કરી કોઈ કામ અર્થે વાહન ચાલક જાય તો તરત ટોઇંગ વાન થકી વાહનોને પોલીસ વિભાગ તરફથી ક્યાંક તો ઊંચકીને લઇ જવામાં આવે છે તો ક્યાંક લોક મારી દંડ વસુલાત કરવામાં આવે છે, શહેરના મુખ્ય માર્ગો ઉપર અનેક બેંકો અને મુખ્ય દુકાનો આવેલી છે પરંતુ મોટા ભાગના શોપિંગ સેન્ટરો અને દુકાનો પાસે પાર્કિંગનો અભાવ હોવાના કારણે વાહન ચાલકો મજબૂરીમાં પોતાનું વાહન ગમે ત્યાં પાર્ક કરી જતા હોય છે અને આખરે કામ પતાવી પરત ફરેલા વાહન ચાલકોને દંડ ભરવા જેવી નીતિનો સામનો કરવો પડતો હોય છે.
ભરૂચ જીલ્લો ઝડપથી વિકસિત બની રહ્યો છે પરંતુ શહેરી વિસ્તારોમાં આવેલ માર્ગો હવે સાંકડા બનતા જઇ રહ્યા છે, માર્ગો ઉપર અસંખ્ય વાહનોના પાર્કિંગના કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે, મુખ્યત્વે સ્ટેશનથી પાંચબત્તી અને મહંમદપુરાને જોડતો માર્ગ હોય અથવા પાંચબત્તીથી સેવાશ્રમ અને સોનેરી મહેલ તરફ જવાનો માર્ગ કે પછી શક્તિનાથથી લિંક રોડ તરફ જતો માર્ગ હોય ત્યાં સવાર સાંજ કોઈ પશુ અથવા સામાન્ય અકસ્માત થાય તો પણ ટ્રાફિકની સ્થિતિનું સર્જન થતું હોય છે, તેવામાં હવે ભવિષ્યની ચિંતા કરી તંત્ર શહેરના મુખ્ય માર્ગો પહોળા કરવા અથવા પાર્કિંગ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી એ બાબત ઉપર મંથન કરવાની વર્તમાન સમયમાં તાતી જરૂર જણાય છે.
હારુન પટેલ : ભરૂચ