બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કસક વિસ્તારમાં સ્ટેશનરીની દુકાને ખરીદી કરવા ગયેલ વ્યક્તિને ઘરડા ઘર પાસેથી પેસેન્જર તરીકે બેસાડી થોડા આગળ લઈ જઈ તેઓ પાસે રહેલ રોકડ રૂપિયા ૪૯,૫૦૦ કાઢી લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી રિક્ષામાં આવેલ ત્રણ લૂંટારુઓ ફરાર થયા અંગેની ફરિયાદ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી.
સી ડિવિઝન પોલીસે મામલા અંગેની ગંભીરતાને સમજી ત્વરિત તપાસ આરંભી વિસ્તારમાં લાગેલ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તેમજ મળેલ બાતમીના આધારે તપાસ કરતા રીક્ષા અંકલેશ્વરના સુરતી ભાગોળ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા મકસુદ યાકુબ પટેલની હોવાનું માલુમ પડ્યું હતું, અને તે તેના સાથી મિત્રો સાથે ઘટનાને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું, જે બાદ તે અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતો હોય પોલીસે બાતમીના આધારે નર્મદા મૈયા બ્રિજ ખાતેથી રિક્ષામાં સવાર ત્રણેય ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટનાને અંજામ આપનાર સુરતના કોસંબાના (૧) કાદર ઉર્ફે બટકો અબ્દુલ શેખ (૨) અંકલેશ્વરના મકસુદ યાકુબ પટેલ તેમજ (૩) ચાવજ નજીક રહેતા મહંમદ રિઝવાન ઉર્ફે સોહેલ અબ્દુલ વહાબ ખલીફાને ઝડપી પાડી તમામ પાસેથી ઓટો રીક્ષા, મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ ૬૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ