હાલ રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, તેવામાં રાહદારીઓ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા થોડા વર્ષો અગાઉ વોટર ATM કેટલાય સ્થળોએ મુકવામાં આવ્યા હતા જે આજે બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે, ભરૂચ નગરપાલિકા દ્વારા આર.ઓ અને શીતળ પેય જળની વિના મૂલ્યે સેવાનો વાજતે ગાજતે પ્રારંભ તો થયો પરંતુ તે હાલ ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે.
પ્રજાના લાખો રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલ વોટર ATM આજે ભર ઉનાળામાં તેની જાળવણી ન થવાના કારણે બિનઉપયોગી બની ગયા છે, તેવામાં ભરૂચના માર્ગો પર ફરતા હજારો રાહદારીઓને ના છૂટકે વેચાણથી પાણી ખરીદી કરી પોતાની તરસ છીપાવવા જેવી નોબત આવી છે, પાલિકા પાસે વસ્તુઓ છે છતાં તેની દરકાર ન કરવા પાછળ ત્યાં કામ કરતા કર્મીઓની આળસના દર્શન કરાવે તેમ છે. ભર ઉનાળામાં આ અહેવાલ જોયા બાદ પાલિકાનું તંત્ર નિદ્રામાંથી બહાર આવી રાહદારીઓ માટે ફરીથી જે બંધ અવસ્થામાં છે તેવા વોટર ATM મશીન શરૂ કરી ઉનાળામાં લોકોની તરસ છીપાવવામાં રાહત રૂપી બને તે જ પ્રકારની આશા શહેરના જાગૃત નાગરિકો સેવી રહ્યા છે.
હારૂન પટેલ : ભરૂચ