ભરૂચમાં “જેનિસ ફોર યુ” નામની કંપનીના નામે લોભમણી સ્કીમો આપી શહેરીજનોના રૂ.૪૪૬ કરોડની ઉઘરાણી કરી શહેર છોડી નાસી છૂટેલા દિલીપ બાબુલાલ જૈન વિરુદ્ધનો દાવો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ સાથે રોકાણકારો એ કલેકટર સમક્ષ આવેદન પાઠવ્યું છે.
ભરૂચમાં વર્ષ ૨૦૧૪ ની સાલમાં “જેનિસ ફોર યુ” નામની કંપની દિલીપ બાબુલાલ જૈન નામનો વ્યક્તિ ચલાવતો હતો. જેને ધર્મનગર સોસાયટી ભોલાવ ખાતે પોતાની કંપનીમાં તથા બેન્ક એકાઉન્ટમાં લેવડ-દેવડ ચાલતી હતી. માલિક દ્વારા ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં કુલ રૂ.૪૪૬ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરેલ ત્યારબાદ વર્ષ ૨૦૨૦ માં જીએસટી ની રેડ પાડવામાં આવેલ અને ત્યારબાદ સી.આઇ.ડી ને સાથે રાખીને તેના કાર્યના સ્થળે રેડ પાડીને હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ જેમાં હાઇકોર્ટમાંથી કોઈ ઓર્ડર ના આવ્યો અને જીએસટી દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા દિલીપ બાબુલાલ જૈન પોતાના મોબાઈલ નંબર બંધ કરી તથા સોશ્યલ મીડિયાના એકાઉન્ટ બંધ કરી ભરૂચ છોડી નાસી છૂટયો હોય તેની પાસે સેવિંગ કરવા આપેલા રૂપિયા પરત ન મળતા તેમજ નાના-મોટા વેપારીઓના રૂપિયા આ કંપનીમાં ફસાયેલા હોય આવા અનેક લોકોની અપીલ છે કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે નહીં તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે ઝાડેશ્વર સ્થિત દિલીપ જૈનના બંગલા પાસે બધા જ રોકાણકારો ભેગા થઈને આંદોલન કરીશું તેમ જણાવ્યું છે.