ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ પર અત્યાચાર વધતાં એટ્રોસિટી એક્ટના કાયદામાં અસરકારકતા વધારવા માટે મૂળનિવાસી સંઘ દ્વારા રાજ્યપાલને સંબોધીને ભરૂચ કલેકટર સમક્ષ એક લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં મૂળનિવાસી સંઘ દ્વારા જણાવાયું છે કે આઝાદીનાં ૭૫ વર્ષ બાદ પણ ગુજરાતમાં અનુસૂચિત જાતિ પ્રત્યે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે જે દેશની અખંડીતતા માટે ખૂબ જ ગંભીર છે. બંધારણની કલમ 17 મુજબ દેશમાંથી સંપૂર્ણપણે અસ્પૃશ્યતા ખતમ થવી જોઈએ પરંતુ આજે પણ સરકારની ઢીલી નીતિના કારણે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ આભડછેડથી પીડાઈ રહ્યા છે તેમજ સમાજમાં અનુસૂચિત જાતિના વ્યક્તિઓને સ્મશાનનો ઉપયોગ ન કરવા દેવો, મહિલાઓને જીવતી સળગાવી, લગ્નપ્રસંગના વરઘોડામાં હિંસક હુમલા કરવા, મંદિરમાં પ્રવેશ ના આપવો, સોસાયટીમાં મકાન ના આપવું. આથી અનુસૂચિત જાતિના લોકોએ જીવન નિર્વાહ કરવામાં અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકોને ગુજરાતમાં જીવન જીવવું મુશ્કેલ બની જશે. આથી એટ્રોસિટી નોન- બેલેબલ ક્રાઇમ બનાવવામાં આવે તથા યુક્રેનમાં ફસાયેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકાર મદદ કરે અને ભારતમાં પરત લાવવામાં આવે તેવી અપીલ છે.