ગત તારીખ ૨૮/૦૨/૨૦૨૨ ના રોજ નેત્રંગ ગ્રામપંચાયત ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં પરેશ ભાટિયા તેમજ સરપંચ હેરેન્દ્ર દેશમુખ વચ્ચે બોલાચાલી થતા મામલો થાળે પાડવા ગત રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાધાનના ભાગરૂપે બંને લોકોની હાજરીમાં સરકારી રેસ્ટ હાઉસમાં એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં અગત્યની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
જે વચ્ચે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મંત્રી ભાવના બેન પંચાલ દ્વારા ચાલુ મિટિંગમાં સ્નેહલકુમાર પટેલ (એડવોકેટ)અને પંચાયત સભ્ય કિરીટ વસાવાના વક્તવ્યનું ખોટી રીતે વીડિયો રેકોર્ડિંગ કરી તેઓના ફોટો પાડી લઈ તેઓને બદનામ કરવાની પેરવી સામે કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
નેત્રંગ તાલુકા ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપના જિલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ સામે મોરચો માંડી તેઓ સામે પાર્ટી તાત્કાલિક ધોરણે પગલાં ભરી તેઓને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું હતું કે જો પાર્ટીના જ હોદ્દેદારો આ પ્રકારના વર્તન કરશે તો આગામી ૨૦૨૨ માં ઝઘડિયા વિધાનસભાની ચૂંટણી પાર્ટી માટે જીતવી મુશ્કેલ જણાય છે,ત્યારે સમગ્ર મામલે ઉચ્ચ હોદ્દેદારો ધ્યાન પર લઇ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.
હારૂન પટેલ : ભરૂચ