યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા ભરૂચના શકિતનાથ ખાતે રહેતા વિદ્યાર્થીનીના પરિવારની કલેકટર તુષાર સુમેરાએ આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી ત્યાં રહેલા વિદ્યાર્થીઓ અંગે જાત માહિતી મેળવી હતી. આજ રીતે અન્ય અધિકારીઓએ પણ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારોને તેમના ઘરે જઈને મળ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
કલેકટર તુષાર સુમેરા તથા નિવાસી અધિક કલેકટશ્રી જે.ડી.પટેલ દ્વારા ભરૂચના શકિતનાથ ખાતે રહેતા ઉમેશભાઇ જયકિશનદાસ ગાંધીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમણે તેમની પુત્રી ક્રિમા ગાંધી વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. દિકરીના પિતા ઉમેશભાઇ ગાંધી કે જેઓ દુબઇ છે અને તેઓની માતા પારૂલબેન ઉમેશભાઇ ગાંધીએ દિકરી વિશે માહિતી આપી હતી. દિકરી હાલ રોમાનીયા છે એરપોર્ટ પર વેઇટ કરે છે. આ વેળાએ કલેકટર તુષાર સુમેરાએ દિકરી ક્રિમા ગાંધી સાથે વિડીયો કોલ દ્વારા વાતચીત કરી હતી.
કલેક્ટરએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ યુક્રેનમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાત સરકાર પણ પરિવારજનો સાથે છે. ભરૂચ જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ, તથા પ્રાંત અધિકારીઓ સહિત અધિકારીઓએ ગઈકાલે આવા પરિવારજનોની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું અને પરિવારજનો પાસેથી વિગતો જાણી હતી. આ અધિકારીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાંની પણ માહિતી આપી હતી.