ઘેર ઘેર ગાયો પાળો, કોમી એકતા ભાઈચારો, વ્યસન મુક્તીનો સંદેશો આપતી ઐતિહાસિક મોટામિયા માંગરોલની ગાદીના ગાદીપતિ હજરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેઓના પુત્ર- અનુગામી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીના પ્રયાસોથી ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ચિશ્તીયા નગર કમ્પાઉન્ડમાં સમસ્ત કડીવાલા સમાજનો યુવક, યુવતીઓનું ચોખરું – સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં કડીવાલા સમાજના આઠ યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં બંધાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો.
તિલાવતે કુરઆન બાદ કાર્યક્રમનાં પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સલીમ પટેલે સ્વાગત પ્રવચન કરેલ હતું, ડૉ મતાઉદ્દીન ચિશ્તી સાહેબે હાજરજનોને સંબોધનમાં જણાવ્યું હતું કે, કિંમતી સમયનો ભોગ આપી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ હું આપ સૌનો કડીવાલા સમાજ તરફથી આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે નવયુગલોને મુબારક બાદી પાઠવી સુંદર શેર રજૂ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, જીવનના જંગને જીતીને અવતાર સાર્થક કરવાનો છે. આપણું જીવન અન્યો માટે પ્રેરણાનો સ્રોત બને વિવેક જાળવી ભલાઈ માટે નિમિત્ત બનીએ એ મહાનેકી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લગ્ન જીવનને સફળ બનાવવા માટે બે ઘટકો છે. સૌથી પહેલું ઘટક સંતોષ અને બીજું સમજણ આ બે ઘટક હશે તો તમે તમારી જીવન નૈયાને પાર કરી શકશો. આપણે જેટલા ઉંચા જવું હોય તો વિચારોને ઉંચા કરવા પડશે. મારા દાદા હઝરત ખ્વાજા ફરીદુદ્દીન ચિશ્તી સાહેબે આ માર્ગ અમોને બતાવ્યો હતો. તમામનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. ચોખરૂં આયોજન સમિતિનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્ય માટે તમામ સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે પાંચ મુદ્દાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેના માટે સમાજ ઉત્કર્ષ સમિતિ કાર્ય કરશે અને તેને તમામ સમાજને લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તમામને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. ઉન્નતી અને પ્રગતિ માટે દુઆ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સલીમ પટેલ સેગવાવાળા, ઈમ્તિયાઝ કડીવાલા, રફીક કડીવાલા, સિરહાન કડીવાલા તેમજ આયોજન સમિતિ તથા સમાજના અન્ય સભ્યો દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ