ભરૂચ શહેરમાં ગંદકીનું સામ્રાજય છવાયું છે ત્યારે ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની સેવાઓ બંધ થઈ છે. સમગ્ર શહેરમાં કચરાના ઢગલાઓ થઈ ગયા છે આથી ભરૂચના વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે ભરૂચની ડમ્પિંગ સાઇટ બંધ થવાનું મુખ્ય કારણ ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓની અણઆવડત છે પરંતુ ક્યાંકને ક્યાંક ભાજપની આંતરિક લડાઈ અને જુથવાદ પણ આની પાછળ જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડમ્પિંગ સાઇટનો કોઈ કાયમી ઉકેલ કરવામાં આવતો નથી. સાયખા ખાતે ડમ્પિંગ સાઇટની જગ્યાની ફાળવણી કરાઇ હતી પરંતુ ભાજપના સત્તાધીશો આ પ્રોજેકટમાં નિષ્ફળ નિવડયા જેથી સાઇટ બંધ કરવી પડી આ રીતે મોદી ગાર્ડન પાસે પણ સ્થાનિક વિરોધનાં કારણે ડમ્પિંગ સાઇટ બંધ કરાઇ છે. આજે પાલિકાએ અમરતપુરા ગામમાં પણ ખાડામાં કચરો ઠાલવવાની કોશિશ કરી પણ ત્યના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો. ભાજપા શાસકો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવતા નથી.
વિરોધ પક્ષના નેતાએ આ તકે જણાવ્યુ છે કે ભાજપા ખોટા હંગામી ઉકેલ શોધવાના હવાતિયા બંધ કરે અને ભરૂચના રહેવાસીઓના કચરાના નિકાલ માટે કાયમી ડમ્પિંગ સાઇટ ફાળવવામાં આવે સમગ્ર શહેરમાં ગંદકી જોવા મળે છે તે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી સત્તાધીશો સમક્ષ માંગણી કરી છે.