કોરોના મહામારી બાદ વધુ એક બર્ડ ફલૂ નામક બિમારીએ મહારાષ્ટ્રમાં માથુ ઉચકતા તંત્ર દોડતું થયું છે, મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કારણે અનેક પક્ષીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, તો હવે બર્ડ ફ્લૂની દહેશત ગુજરાત સુધી પહોંચી છે. ગુજરાતમાં પણ હવે બર્ડ ફલૂને લઇ તંત્ર અગાઉથી એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે, જેમાં વિવિધ પોલ્ટ્રી ફાર્મ અને ચિકન શોપ ઉપર જઇ તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથધરી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જે સેમ્પલને પુનાની લેબ ખાતે મોકલવામાં આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં પણ પશુપાલન વિભાગ દ્વારા અત્યાર સુધી ૪૦૦ થી વધુ સ્થળેથી સેમ્પલ લઇ પુના લેબમાં મોકલવામાં આવ્યા છે. જેમાં આમોદ તાલુકામાંથી જ ૩૦૦ થી વધુ સેમ્પલ તંત્ર દ્વારા લેવાયા હતા.તેમજ શહેર અને જિલ્લાના પોલ્ટ્રી ફાર્મ ઉપર સતત સર્વે કામગીરી ચાલુ કરી છે, જોકે બર્ડ ફલૂ મામલે અત્યારે જિલ્લાવાસીઓ માટે રાહતના સમાચાર છે, જેમાં અત્યાર સુધી બર્ડ ફલૂના કોઈ લક્ષણ તંત્રની તપાસમાં સામે આવ્યા નથી પરંતુ જે ૪૦૦ થી વધુ સેમ્પલ પુના લેબમાં મોકલવામાં આવ્યા છે તેના રિપોર્ટની તંત્ર દ્વારા રાહ જોવામાં આવી રહી છે.
બર્ડ ફ્લૂએ પક્ષીઓમાં ઝડપથી ફેલાતો રોગ છે, આ ફ્લૂના કારણે પક્ષીઓ ક્યાંક મોતને ભેટે છે તો ક્યાંક લક્ષણ જણાતા પક્ષીઓને મોતને ઘાટ ઉતારવામાં આવે છે,ત્યારે ફ્લૂના કારણે માનવજાતને કોઈ નુકશાન ન પહોંચે તે માટે ભરૂચનું વહીવટી તંત્ર અગાઉથી ગંભીરતાને સમજી જિલ્લામાં પોતાની કામગીરી શરૂ કરી દીધી છે.
હારુન પટેલ : ભરૂચ