ભારતના સૌથી મોટા બેન્ક ફ્રોડ કેસમાંથી એક એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિતના પક્ષકારો સામે બેંકો દ્વારા કરવામાં આવેલ છેતરપિંડીની ફરિયાદને આધારે સીબીઆઈએ રૂ 22,842 કરોડના બેંક ફોડનો કેસ દાખલ કર્યો છે ત્યારે હવે દહેજ ABG ના કર્મચારીઓ પણ તેમના પાંચ વર્ષથી બાકી પડતા પગારના મુદ્દે ચિંતાતુર બન્યા છે.
દેશની સૌથી મોટી બેંક, એસબીઆઈના નેજા હેઠળના લેણદારોના સમૂહે કરેલ ફરિયાદને આધારે સીબીઆઈએ અગ્રવાલ ઉપરાંત તત્કાલિન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર્સ અશ્વિની કુમાર અગ્રવાલ, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા સહિત અન્યો સામે એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડનું નામ આઈપીસી અને પીએમએલએ કાયદાના ઉલ્લંઘન બદલ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં કંપનીને 28 બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવી રૂ.22,842 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
અમદાવાદમાં 1986 સ્થપાયેલ આ ABG કંપનીએ સુરત બાદ ભરૂચના દહેજ ખાતે 2006 માં પ્લાન્ટ સ્થાપ્યો હતો. જેમાં લખીગામના કેટલાયે ધરતીપુત્રોની જમીન ગઈ હતી. તો 500 થી પણ વધુ કર્મચારીઓ ફરજ બજાવતા હતા પણ કંપની બંધ થતા તેઓના પગાર પણ ચુકવવામાં આવ્યા નથી. જેથી તેમની હાલત અત્યંત કફોડી થઈ ગઈ હોવાનું ABG ના કર્મચારીઓએ જણાવી ચિંતા વ્યક્ત કરી હતી. સુનિલ જૈન તેમજ અશ્વિન પટેલે 450 કર્મચારીઓના છેલ્લા પાંચ વર્ષથી પગાર થયો ન હોવાનું જણાવી આ અંગે ન્યાયાલયના દ્વાર પણ ખખડાવ્યા હોવાનું જણાવી તેમને જલ્દીથી ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
કોર્પોરેટ જગતનું બેન્ક ફ્રોડનું મોટું કૌભાંડ બહાર આવતા દહેજના ઔધોગિક વિસ્તારના પ્રારંભિક તબક્કામાં સ્થપાયેલ અને તે સમયે આ વિસ્તાર માટે નવી આશા અને અપેક્ષા જન્મવનાર ABG શિપયાર્ડ હાલમાં માત્ર એક નામનું બોર્ડ બનીને રહી ગયુ છે ત્યારે કર્મચારીઓને તેમના હક્કના નાણાં ક્યારે મળે છે તે જોવું રહ્યું.