ભરૂચ તાલુકાના સરનાડ – વ્હાલું ગામને જોડતો માર્ગ બિસ્માર થઈ જતા તેના નવિનીકરણ માટે સરકારે 1.50 કરોડ મંજુર કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે માર્ગનું ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છે.
સરનાડથી વ્હાલું, મહુધલાથી ત્રાલસા અને ટંકારીયાથી ઘોડી રોડ બિસ્માર થઈ જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા એ રાજ્ય સરકારમાં રજુઆત કરતા માર્ગ અને મકાન મંત્રી પૂરણેશ મોદીએ ત્રણે માર્ગના નિર્માણ માટે રૂપિયા 329 કરોડ મંજુર કર્યા હતા. જેમાં પ્રથમ ચરણમાં સરનાડ વ્હાલું ગામને જોડતા રસ્તાનું વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકાના આગેવાનો, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રણાએ ગ્રામજનોએ હર હંમેશ તેમની સાથે રહી ગામના વિકાસ માટેની ખાતરી આપી હતી. જ્યારે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ધારાસભ્ય અરુણસિંહ રણાના ઘરે ઘરે આયુષ્યમાન કાર્ડ પહોંચાડવાના “ઘર ઘર આયુષ્યમાન, હર ઘર આયુષ્યમાન” અભિયાનની સરાહના કરી હતી.
ધારાસભ્ય અરુણસિંહ રણાએ વ્હાલુ ગામની મુલાકાત લેતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યાં સરપંચની હાજરી વાસ્મો દ્વારા મંજુર થયેલ પીવાના પાણીના સ્ટોરેજ માટે સમ્પ અને ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી.