વાગરાથી સારણ વચ્ચે આવેલ કાંસમાં ગેરકાયદેસર માટી ખોદકામ બંધ કરવાની માંગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવી રજુઆત કરી હતી.
ખેડૂતો એ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વાગરાથી સારણ વચ્ચે આવેલ કાંસમાં ખૂબ જ ઉંડાણપૂર્વક માટી ખોદકામ કરતા હોય, ખેતરો કાંસની બિલકુલ બાજુમાં હોય ખેતરોમાં ધોવાણ થાય છે જેનાથી અમારા ખેતરના પાકને ખૂબજ નુકશાન થાય છે અને વધુમાં વાગરા ગામમાં ગોચરની જમીન ઓછી હોય, પશુપાલકો ગાય – ભેંસો આ કાંસમાં ચરાવીએ છીએ અને આ કાંસ ખૂબ જ ઊંડો કરતા હોય, જ્યાં સુધી પાણી નિકળે નહિ ત્યાં સુધી ઊંડુ ખોદતા હોય, જેનાથી પશુઓને અંદર પડી જવાથી મૃત્યુ પામવાની શકયતા બને છે અને લાગુ ખાતેદારો હોય, આ કાંસના ખોદકામના પરમિશન બાબતે લાગુ ખાતેદારોની કોઇ સંમતિ લીધેલી નથી. આ ઉપરાંત જણાવવામાં આવેલ છે કે અગાઉ ગયા વર્ષ આંકોટથી વાગરા વચ્ચે સર્વે નં. ૩૦૪ થી ૫૦૧ આજ કાંસમાં ૩૫-૪૦ કુટ જેટલું ઊંડું ખોદકામ કરેલ છે અને હાલમાં પણ જગ્યાએ કાંસને મોટી નહેર જેવો બનાવી નાંખેલ છે અને આખો કાંસ પાણીથી છલોછલ ભરેલો છે.
આ જગ્યાએ ધનાભાઇ ભરવાડ ગાયો ચરાવતા હતા ત્યારે કાંસની ભેખડ ફસાતા ત્રણ ગાયો ઊંડા કાંસમાં પડી ગયેલ હતી. એ ગાયોને બહાર ક્રેન દ્વારા કાઢવામાં આવેલ તેમાંથી એક ગાયન મૃત્યુ પામેલ. આવા અવાર – નવાર બનાવો બનતા જ રહે છે. આ કાંસ એટલો ઊંડો ખોદી નાંખે છે કે જેથી આજુબાજુના ખેડૂતોની જમીનો ધોવાય જાય છે અને પશુ પાલકોના ઢોરો પણ મૃત્યુ પામે છે.આ કાંસ ખેડૂતોના હિતમાં ઊંડો થતો ન હોય, પરંતુ ભૂમાફીઓના હિતમાં માટી ખોદકામ માટે ઊંડો થતો હોવાનું કહી આ કાંસનું માટી ખોદકામ તાત્કાલીક બંધ કરાવવા અને આ કૃત્ય કરનારની સામે કાયદાકીય પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે.