પીનેવાલો કો પીને કા બહાના ચાહીયે ઔર પીલાને વાલોકો પીલાને કા ઠિકાનાં ચાહિયે…. જી હા, અડ્ડા. ગેરકાયદેસર પ્રવૃત્તિના અડ્ડા. આ શબ્દ અડ્ડો જ કેટલો ખડ્ડુસ છે!!… જ્યાં બિન્દાસ દારૂ વેચાય, જુગાર રમાય એ અડ્ડો. જેનો એક મુખ્ય સંચાલક હોય. પોલીસ ચોપડે તેનું લાલ અક્ષરમાં નામ હોય. ( તે વોન્ટેડ કે ફરાર હોય તો તેના નામ પર લાલ મોટુ ચકેડુ હોવું જોઈએ. આતો ખાલી વાત છે. બાકી પબ્લિકથી પોલીસને થોડી સલાહ અપાય??….) બુટલેગરના કેટલાક પન્ટર હોય. તેમાં કેટલાક લિસ્ટેડ હોય બાકીના અનલિસ્ટેડ. આ અનલિસ્ટેડ બુટલેગરોનો આજકાલ ત્રાસ વધી ગયો છે.
સૂત્રોનું કહેવું છે કે એક આખું નેટવર્ક ધરાવતા બુટલેગરોએ ધંધાની ફોર્મેટમાં તબદિલી કરી છે. પહેલા નામથી, હાકથી, અને સંબંધથી ધંધો કરતા હતા. એમાં પ્રોપ્રાઇટરી રહેતી. હવે પાર્ટનરશીપમાં ધંધો કરતા થઇ ગયા છે. એક નામી (એટલે કે બદનામી ધરાવતો) પાર્ટનર હોય તો બીજો કોઈ ગુમનામ હોય. રખે માનતા કે રસ્તે ચાલતાને બુટલેગરો પાર્ટનરશીપ ઓફર કરતા હશે. એમાં નકરો સગાવાદ ચાલે છે. ભાઈ – ભત્રીજા, ભાઈ – ભાઈ, માં – દીકરો, સાઢુ – સાઢુ, સાળો – બનેવી, મામા – ફોઈ, માસી – માસીના એવુ…..આનો તેમને ફાયદો એ કે પેલો નામી- લિસ્ટેડ પ્રેસરવશ જેલમાં હોય તોય ધંધાને અસર નહીં. સામે પક્ષે પણ કામગીરીના ચક્કરમાં કુખ્યાત બુટલેગરને પાસામાં અંદર કરી શાબાશી મેળવી હોય, પછી ભલે ગ્રાઉન્ડ લેવલ પર ફેર ના પડ્યો હોય!!… ઉપરીના ઉપરી અધિકારી પૂછે તોય કહેવા ચાલે કે સાહેબ, એ તો બે મહિનાથી પાસામાં અંદર છે!!.
ચોરખાના બનાવીને વાહનોમાં દારૂની હેરફેર કરતી બુટલેગર જમાતના અવનવા કરતુતો સામે આવતા જ રહે છે. હવે, એકની ગેરહાજરીમાં બીજાએ કેમ ચલાવવું એય શીખી ગયાં છે. એમને ક્યાં પાર્ટનરશીપ ડીડ કરવાની હોય છે? સામાન્ય માણસને ગાંઠે એ બુટલેગર શેનો? કોઈ ફરિયાદ કરે કે ફલાણા વિસ્તારમાં ફ્લાણો ટપોરી દારૂનો વેપલો કરે છે ત્યારે એ ફરિયાદ બેઅસર સાબિત થઈ શકે છે. કેમકે ઓન રેકોર્ડ તો જે તે સરનામાંવાળો લિસ્ટેડ બુટલેગર પાસામાં જેલમાં હોય છે!!.( ફિલ્મો જોઈ જોઈને તેઓ પણ શીખેતો ખરાને!! )
જવાબદાર તંત્ર પાસે આવા કીમિયાગરોને નાથવાની પ્રતિબધ્ધતા નથી, તેથી આવું ચાલ્યા જ કરવાનું. પીનારા અને પીવડાવનારા બન્નેને “માલ” માં રસ હોય છે. આ માલ એટલે?? એક ટપોરીએ જ વ્યાખ્યા કરી હતી કે…” માલ આલ, આટલા તો લઈશ” માં બધુ આવી ગયું. પીનારા પણ ખુશને પીવડાવનારા ડબલ ખુશ. ઉંદર બિલાડીની આ રાજ્યવ્યાપી રમતને વર્ષોથી માણતા આવ્યા છીએ અને હજુય માણવાની છે.