ભારત રત્ન કોકિલ કંઠી ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થતા સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો. સરકાર દ્વારા બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી.
ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની ઉંમરમાં રવિવારની સવારે મુંબઈ ખાતે નિધન થયું હતું. લતા મંગેશકરને કોરોના તથા ન્યુમોનિયા હોવાથી 8 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં અને અહીંયા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોતાના ગીતોથી કરોડો લોકોના દિલ પર રાજ કરનાર લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ સહિત રાજકીય, તેમજ ફિલ્મી હસ્તીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને લતાજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.
લતામંગેશકરના નિધનના પગલે સરકાર દ્વારા બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવતા ભરૂચ કલેકટર કચેરી તેમજ રેલવે સ્ટેશન ખાતે પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠી એ કરવામાં આવ્યો હતો.