હાંસોટ તાલુકાનાં કલમ ગામના રહેવાસીઓએ આજે દેશના રાષ્ટ્રપતિ, રાજયપાલ, ગૃહમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના અને બીટીપીની આગેવાનીમાં અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગામના જ બ્રાહ્મણ જાતિના લોકો દ્વારા હાંસોટ તાલુકાનાં ભાજપાના આગેવાનો અને હાંસોટ તાલુકા પોલીસ અધિકારીઓ સાથે મળી કલમ ગામના આદિવાસી સમાજના લોકો પર અવારનવાર અત્યાચાર કરવામાં આવે છે. તે અંગે આવેદન પાઠવી ન્યાય માંગવામાં આવ્યો છે. આવેદનપત્રમાં હેરાનગતિ કરતાં બ્રાહ્મણ જાતિના તેમજ અન્ય જાતિના લોકોના નામ પણ જણાવવામાં આવ્યા છે. હાંસોટના કલમ ગામના આદિવાસી સમાજના લોકો પશુપાલનનો ધંધો કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે પરંતુ અંગત અદાવત રાખી ગામના જ બ્રાહ્મણ જાતિના લોકો તથા હાંસોટ તાલુકાનાં ભાજપના આગેવાનોએ મળીને આદિવાસીઓ કે જે શેરા, હાંસોટ, ભરૂચ દૂધ મંડળી ડેરીમાં વર્ષોથી દૂધ ભરતા હતા તે આ લોકોએ દબાણ કરી બંધ કરાવી દીધેલ છે. તેમજ બ્રાહ્મણ જાતિના લોકો દ્વ્રારા ગામમાં પરપ્રાંતી સિંધી રખાઓ લાવવામાં આવેલ છે. આ રખાઓ દ્વારા ગામના આદિવાસી સમાજ પર અત્યાચાર ગુજારવામાં આવે છે છતાં પોલીસતંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી ન કરાતી હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.