નેત્રંગ પોલીસ સ્ટેશન ના પી. એસ.આઇ એ વાહન ચેકિંગ દરમ્યાન ચોરીની ૨૪ મોટરસાયકલોનો ભેદ ઉકેલતા પ્રજાસત્તાક પર્વ પર સન્માન કરવામાં આવતા નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફ જીલ્લા ના પી. એસ. આઇ આલમમા ગૌરવની સાથે આનંદ લાગણી ફરી વળી છે.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. એન.જી.પાંચાણી અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ થવા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતાં હતા. ત્યારે ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ ગુજકોપ અંતર્ગત આપેલ મોબાઇલ પોકેટકોપ અને ઇ ગુજકોપમાં સર્ચ કરતા હતા,તે દરમિયાન બાતમી મળી હતી કે, નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અંતર્ગતની ચોરીની મોટરસાયકલ લઇને એક ઇસમ ડેડીયાપાડા તરફથી આવે છે. ડેડીયાપાડા તરફથી શંકાસ્પદ મોટરસાયકલ આવતા તે મોટરસાયકલ બાતમી મુજબ તેની તપાસ કરતા મોટરસાયકલ ચાલક કોઇ કાગળો રજુ કરી શકેલ નહિ. પોલીસ તપાસમાં આ ઇસમનુ નામ રાજેન્દ્ર ઉર્ફે પકો અભેસિંગભાઇ વસાવા રહે.દાભવણ તા.ડેડીયાપાડા જિ.નર્મદા હોવાની જાણ થઇ હતી. પોલીસની પુછપરછ દરમિયાન આ ઇસમ ભાંગી પડ્યો હતો, અને મોટરસાયકલ નેત્રંગ સેવાસદનના કંપાઉન્ડમાંથી ચોરી હોવાની કબુલાત કરી હતી. આ આરોપીને ધરપકડ કરીને તેની કડક રીતે ઉલટ પુછપરછ કરતા તેણે અલગઅલગ વિસ્તારોમાંથી ૨૪ જેટલી મોટરસાયકલોની ચોરી કરીને જંગલ વિસ્તારમાં કોઇને જોવામાં ન આવે એ રીતે થોડાથોડા અંતરે છુપાવી રાખી હોવાનું જણાવતા પોલીસે તેની કબુલાતના આધારે જંગલમાં સર્ચ ઓપરેશન કરીને વિવિધ પોલીસ સ્ટેશનમાં નોધાયેલ આઠ જેટલા ગુનાઓ હેઠળની ૨૪ મોટરસાયકલો કબજે લીધી હતી.
નેત્રંગ પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. એન.જી પાંચાણીની કામગીરીની નોંધ ઉચ્ચ પોલીસ અધિકારીઓ લીધી હતી. જેને લઇને ૨૬ જાન્યુઆરી ૭૩ માં પ્રજાસત્તાક દિવસે પી.એસ.આઇ.એન.જી પાંચાણીને સન્માનપત્ર એનાયત કરવામાં આવતા નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત જીલ્લાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોમા ગૌરવની સાથે આનંદની લાગણી ફરી વળી છે.