ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સંસ્થાનનાં અધ્યક્ષ એડવોકેટ ફિરદોશબેન મન્સુરીનાં વરદ હસ્તે તથા બોર્ડ મેમ્બર અને જાણીતા કેળવણીકાર કે. કે. રોહિતની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. સંસ્થાનનાં નિયામક ઝયનુલ આબેદ્દીન સૈયદે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશભકિત ગીત રજૂ કરાયું હતું.
અતિથિ વિશેષ કે. કે. રોહિત દ્વારા પ્રજાસત્તાક પર્વનો મર્મ સમજાવતાં વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં અને ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર થયેલ સંવિધાન અને બંધારણ વિષે વિસ્તૃત છણાવટ કરી સમાજમાં નાગરિક તરીકેનાં પોતાનાં હક્કો અને ફરજો વિષે માહિતગાર કર્યા હતાં. આ પ્રસંગે જે.એસ.એસ.ના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં જે.એસ.એસ.નાં હેતલબેન અમિતભાઈ પટેલે સૌનો આભાર વ્યકત કર્યો હતો.