આજરોજ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મધ્યસ્થ ખંડમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રિય દિકરી દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ અને આ સંસ્થાનના બોર્ડ મેમ્બર ભરૂચ જિલ્લા ભાજપના મહિલા મોરચાનાં ઉપપ્રમુખ ઇન્દિરાબેન રાજનાં અધ્યક્ષ પદે કરવામાં આવી.
કાર્યક્રમની શુભ શરૂઆત જે.એસ.એસની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન આપતાં નિયામક ઝયનુલ સૈયદે સૌને જણાવ્યું કે, આ સંસ્થાન ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક્તા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વ્યવસાયિક તાલીમ સાથે અનેક પ્રકારનાં જાગૃતિનાં કાર્યક્રમો યોજે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં “આઝાદીનાં અમૃત મહોત્સવ” અંતર્ગત ઘણાં કાર્યક્રમો યોજવામાં આવ્યા, જેમાં સંસ્થાએ ૨૬ કાર્યક્રમો પૂર્ણ કરી આજના કાર્યક્રમની પણ તે થકી જ ઉજવણી કરી. દિકરીઓને માન-સન્માન મળે પ્રોત્સાહન મળે તેમનાં પ્રશ્નોનાં નિરાકરણમાં સરળતા રહે તે માટે સંસ્થાન જાગૃતિનાં કાર્યક્રમો અવાર-નવાર યોજે છે. આ કાર્યક્રમમાં ચિત્ર હરિફાઇ યોજાઇ.
પ્રથમ દ્વિતીય, તૃતીયને પ્રમાણપત્ર ટ્રોફીથી સન્માનિત કરાયા. પ્રાસંગિક પ્રવચન આપતા સખી વન સ્ટોપ સેન્ટરનાં જાહ્નવીબેન દર્શને જણાવ્યું કે, આપણે દિકરી દિવસ કેમ ઉજવવો પડે છે. દિકરીઓ તો સશક્ત છે જે આપણે આજે તેને ગુલાબ આપીએ છીએ તો હું એમ કહું છું કે, દિકરીઓએ ગુલાબ સાથે કાંટો પણ બનાવવાનું છે. તેમણે વિવિધ પ્રકારની થતી હિંસા હેરાનગતિ સામે અવાજ ઉઠાવવો પડશે. આજે પણ દિકરીઓ વિવિધ પ્રકારની હિંસાઓથી ઘેરાયેલી છે. આ માટે સખી વન સ્ટોપ સેન્ટર થકી લાભ લેવાનું સુચવ્યું. જેની સ્થાપના ૨૦૧૫ માં દિકરી નિર્ભયાકાંડ પછી થઇ છે. જે ૨૪ કલાક કાર્યરત છે. મહિલાઓને આશ્રય આપે છે. સહાય આપે છે. તેમણે વિવિધ દાખલા ટાંકી દિકરીઓને જાગૃત થવા સાસુ સસરાની સેવા કરવા ઘરને ઘર બનાવવાનું છે. આજે સશક્તિકરણની જરૂર પુરૂષોને છે મહિલાઓને નથી. પતિ-પત્નીએ સુમેળભર્યા વાતાવરણથી એકબીજાની ફરજ જાણી ઘર સંસાર ચલાવવાનો છે જેથી કરીને સખી સેન્ટરોની જરૂર ન પડે તેમણે કહ્યું કે “દિકરીઓના દિવસ નહીંં જમાના હોય છે” પૂર્વ શિક્ષણ નિરીક્ષક અને કવિ તથા બોર્ડ સભ્ય કે. કે. રોહિતે કવિની અદામાં પોતાની ચાર દિકરીઓનાં ગુણગાન થકી સાચા-ખોટાનો ભેદ વર્ણવ્યો હતો. તેમણે દિકરા સાથે દિકરીઓને આહ્વાન કર્યું કે કોઇપણ વાતે અડગ રહેવું તેમણે જણાવ્યું કે “કદમ સ્થિર હોય તો રસ્તો નથી નડતો”. દિકરીનો વહાલ મા બાપનાં હૈયે હોય છે. દિકરી સાડી પહેરી સાસરે જાય ત્યારે ફ્રોક દિવાલે ટીંગાળીને જાય છે જેથી તેનાં વગર મા-બાપને ઘરવાળાને શૂન્ય અવકાશ જેવું ન લાગે. આજે દિકરીઓને ભણાવતા નથી તેમને તે ગમતાં નથી. આજે દિકરીઓ સ્મશાનમાં પિતાને અગ્નિદાહ આપી દિકરીઓની વાતનું ખંડન કરતી થઇ છે. દિકરી પણ દિકરા સમાન છે. દરેક દિકરીમાં કેળવણી, જાગૃતિ સાહસ અને સચ્ચાઇ હોવી જરૂરી છે.
લીડબેન્કનાં મેનેજર શ્રી જે. એસ. પરમારે આવા દિવસો ઉજવવા પાછળ સરકારનો ઉદ્દેશ જન સમુદાયમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. તેમણે બુર્જ ખલીફા દુબઇની ભવ્ય ઇમારત એક મજબૂત પાયા ઉપર ઉભેલી છે તો દિકરી પણ ઘરનો એક પાયો જ છે. તેના થકી મજબૂત સંસાર રચી શકે છે. તેમણે ગુજરાતની સુનિતા વિલયમ્સનો દાખલો પ્રસ્તૃત કર્યો હતો જયારે મુન્શી સ્કૂલના આચાર્યા જેનબબેન પટેલે દરેક દિકરીને પોતાનાં વિચારો મંતવ્ય, તેમનું થતું શોષણ જેવી બાબતો અંગે પોતાના પિતા-વાલી સાથે શેર કરતા રહેવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ મલેક અજમીના, અંજલીબેન સોલંકી અને અલીસા મસાલાવાલાને ટ્રોફી તથા પ્રમાણપત્ર મહાનુભાવોને હસ્તે અર્પણ કરાયા હતા.