ભરૂચ જિલ્લા પોલીસની જાંબાઝ ટીમ પર પ્રજાને સંપૂર્ણ ભરોસો છે. તેજસ્વી અને ઓજસ્વી અધિકારીઓની રાહબરી હેઠળ ખંત અને ઈમાનદારીથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ગુનેગારો પર હાવી છે જ. આમોદના સરભાણ ખાતેનો રેપ વિથ મર્ડરનો ગુનો ઉકેલીને પોલીસે પોતાના હુન્નરનો પરચો આપી જ દીધો છે. ગુનાવાળા સ્થળે સિત્તેર દિવસ ધામા નાખીને એક નાબાલિક દીકરીને ન્યાય અપાવવા અને ગુનેગારને દબોચી લેવા જે મહેનત થઈ એ કાબિલે તારીફ છે.
આ ટેમ્પ્રામેન્ટ અને અભિગમ ખાખી વર્દીની શાન છે. દુઃખ તો ત્યારે થાય છે જયારે પોલીસકર્મી પર કોઈ ગુનેગાર હુમલો કરી ખાખીની શાન પર હાથ નાંખે!!.. યાદ કરો ગત તા. અગિયાર ડિસેમ્બર 2021 નો ભોલાવ ઉદ્યોગનગરનો બનાવ જેમાં એક દારૂની હેરાફેરી કરતી ટોળકીનો વૉન્ટેડ ગુનેગાર નામે દિવ્યેશ કાલરીયાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના રેડ પાર્ટીમાં સામેલ દીપકભાઈ નામના કોન્સ્ટેબલને પોતાની મારુતિ સીયાઝ નામની લક્ઝ્યુરિયર્સ કાર રિવર્સ લઈ ભાગી છૂટવાના પ્રયત્નમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. આરોપી પાછો ભરૂચ એ ડીવીઝનનો વોન્ટેડ ગુનેગાર છે અને પોલીસ પર હાવી થવાનું દુ:સાહસ કરે છે!!… રીઢા ગુનેગારોનો આ માઈન્ડસેટ, આ બાલિશ પ્રયત્ન ટીકાને પાત્ર છે. હિંમત કેવી રીતે થાય, પોલીસ પર હુમલો કરવાની??
આરોપી દિવ્યેશ મૂળ જૂનાગઢ જિલ્લાનો છે અને હાલ કિમ નજીકનાં કુળસદ ગામે રહે છે. બહારના જિલ્લાના આવા રીઢા ગુનેગારો પાછા લક્ઝ્યુરિયસ ગાડીઓ લઈને વિદેશી દારૂની હેરાફેરી કરવા તો ભરૂચ જિલ્લામાં જ આવતા હોય છે. જાણો છો કેમ? કારણ કે તેમને સ્થાનિક ટપોરીઓનું પીઠબળ મળી રહે છે. આ ગુનામાં એલસીબી એ 1044 નંગ દારૂની બોટલ કિંમત રૂપિયા 1,09,200 અને બે કાર એમ કુલ મળી રૂપિયા 8,29,450 /- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ ગુનામાં પણ પોલીસે ભરૂચના છપાય ચૂકેલા બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડાને વૉન્ટેડ જાહેર કર્યો હતો. સાથે અન્ય ચાર પણ ખરા. ત્યારે સવાલ એ છે કે જ્યાંથી પણ વિદેશી દારૂ પકડાય ત્યાં સપ્લાયર તરીકે તો નયન બોબડાનું જ નામ આવે છે. આ તે કેવું અને કેટલું મોટુ સામ્રાજ્ય?? આ બુટલેગરોની ટપોરી ગેંગ પાછી પોલીસ પર હુમલો કરવાની પણ ગુસ્તાખી કરે? એ કેમ સહન થાય?? પોલીસે ચોપડે ગુના નોંધવાના પણ ગુનેગાર સતત વોન્ટેડ, ભાગેડુ, અદ્રશ્ય….!!! કોઈ સામાન્ય વ્યક્તિ આવા તગડા થઈ રહેલા બુટલેગરોને રોકવાની કે અહીં ધંધો નથી કરવાનો, એવી વિનંતી પણ કરવા જાય તો આ તત્વો માને ખરા?? સોપારી આપીને પડદા પાછળથી રમત રમવાની આવડત પણ કેળવી ચૂકેલા તત્વો બેફામ બને એ કોઈ કાળે તંત્ર પણ ના સ્વીકારે. છતાં જે વોન્ટેડ છે એ વોન્ટેડ જ છે!!!…
ક્રાઇમ ડિટેકશનમાં માહિર ભરૂચ જિલ્લા પોલીસ માટે કોઈ ટપોરીને કોલર ઝાલી કોઠડીમાં લઈ જઈ સરભરા કરવી ડાબા હાથનો ખેલ છે છતાં એવુ કેમ થતું નથી?? થશે એ નક્કી છે પરંતુ સમય નક્કી નહીં થયો હોય…?? એવુ ક્યુ પરિબળ કામ કરતું હશે?? આનો જવાબ મેળવવા સમયની જ રાહ જોઈએ.