ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કોરોનાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત મુદ્દાઓમાં કોવિડ -19 થી મૃત્યુ પામેલાનાં પરિવારજનોને સહાયની વળતર તેમજ ગુજરાત સરકાર દ્વારા છુપાવવામાં આવતાં કોવિડનાં આંકડાઓ વિશે લેખિત નિવેદન પાઠવ્યું છે.
આ લેખિત પત્ર ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા દ્વારા પાઠવાયું છે જેમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 91,810 અરજીઓ કોવીડની સહાયની સમગ્ર ગુજરાતમાં આવી છે. જેમાંથી 58,840 અરજીઓ મંજૂર કરાઇ છે, 15,000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે, 5000 જેટલી અરજીઓ રીજેક્ટ થયેલ છે અને 11,000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં વિલંબ થશે તે ચલાવી લેવામાં નહિ આવે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા ઠરાવ્યું છે. સાયન્સ જર્નલમાં પણ ઉલ્લેખ છે કે ભારતમાં કોરોનાના કારણે ૩૫ થી ૪૦ લાખ મૃત્યુ થયા છે. WHO પણ જણાવે છે કે ભારતમાં સરકારી કોવિડના આંકડા યોગ્ય નથી અપાતા, ગુજરાત સરકારે માત્ર કોરોનાના મૃત્યુના 10000 આંકડા જ બતાવ્યા છે. કોવીડ ટેસ્ટ કરાવ્યા વગર મૃત્યુ પામ્યા તેનું શું ? સહિતના મુદ્દે કોંગ્રેસે ગુજરાત સરકાર સમક્ષ નિવેદન પાઠવી જવાબો માંગ્યા છે.
તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહ રાણા દ્વારા ગુજરાત સરકાર સમક્ષ મુખ્ય ચાર માંગણીઓ કરાઈ છે જેમાં કોવિડથી મૃત્યુ પામેલા દરેક મૃતકને રૂપિયા ૪ લાખ સહાય ચૂકવવામાં આવે, કોવિડગ્રસ્ત દર્દીઓનાં તમામ મેડિકલ ખર્ચની રકમની ચુકવણી સરકાર કરે, સરકારી તંત્રની ધોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરવામાં આવે , કોવિડથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને કાયમી નોકરી આપવી જોઈએ.